ભારતને પાછળ રાખીને યુકે વિશ્વનું છઠ્ઠા ક્રમનું સૌથી મોટું શેરબજાર બન્યું હતું. નવ મહિનામાં પ્રથમ વખત આવ્યું બન્યું છે. પાઉન્ડમાં નરમાઈથી લંડન શેરબજારમાં હેવીવેઇટ નિકાસકાર કંપનીઓના આકર્ષણમાં વધારો થયો હતો, ત્યારે અદાણી ગ્રૂપની સમસ્યાથી મુંબઈમાં શેરબજારમાં ગાબડુ પડ્યું હતું.
બ્લૂમબર્ગના 22 ફેબ્રુઆરીના ડેટા મુજબ ઇટીએફ અને એડીઆર સિવાય યુકેમાં પ્રાયમરી લિસ્ટિંગ ધરાવતી કંપનીઓનું કુલ માર્કેટ કેપ 3.1 ટ્રિલિયન ડોલર થયું હતું, જે ભારતના બજાર કરતાં 5.1 બિલિયન ડોલર વધુ હતું.
29 મે પછી પ્રથમ વખત યુકેના ઈક્વિટી માર્કેટે ભારતને પાછળ છોડી દીધું હતું. 24 જાન્યુઆરીથી અદાણી ગ્રુપના શેરમાં 142 બિલિયન ડોલર ધોવાણ થયું હતું. BSE ઇન્ડેક્સ સેન્સેક્સ 1 ડિસેમ્બરની ટોચથી 10 ટકા ઘટ્યો હતો. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અદાણી ગ્રુપ નકારાત્મક કારણોસર હેડલાઈન્સમાં છે જેના કારણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો ચિંતિત છે અને તેઓ ભારતને લઈને સેલેક્ટિવ બની શકે છે.
બીજી તરફ યુકેનું સ્ટોક માર્કેટ રોકાણકારોને માલામાલ કરી રહ્યું છે. ખાસ કરીને સ્મોલ અને મિડ-કેપ કંપનીઓએ રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે. યુકેનો FTSE 350 ઈન્ડેક્સ આ વર્ષે 5.9 ટકા વધ્યો છે. બ્લુ ચિપ FTSE 100 એ ગયા અઠવાડિયે પ્રથમ વખત 8,000નો આંકડો પાર કર્યો હતો. પાઉન્ડના મૂલ્યમાં ઘટાડાને કારણે યુકેનું શેરબજાર પણ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.