યુએઈના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રાજ્ય પ્રધાન ઓમાર સુલતાન અલ ઓલામાએ બુધવારે વિદેશ પ્રધાન એસ જયશંકરની પ્રશંસા કરતા કહ્યું હતુ કે ભૂરાજકીય ગજગ્રાહના વૈશ્વિક મંચ પર જયશંકર ભારતની વિદેશ નીતિ જે રીતે રજૂ કરે છે તેનાથી તેઓ પ્રભાવિત થયા છે.
નવી દિલ્હીમાં એક થિંક-ટેન્ક દ્વારા આયોજીત કોન્ફરન્સમાં તેમણે આ પ્રશંકા કરી હતી. આ કોન્ફરન્સમાં ઘણા કેન્દ્રીય પ્રધાનો અને સાંસદોએ પણ ભાગ લીધો હતો. આ તમામ લોકોની હાજરીમાં ઉમરે જણાવ્યું હતું કે જયશંકર જે રીતે જિયોપોલિટિકલ રસાકસીમાં ભારતની વિદેશ નીતિને આગળ રાખી રહ્યા છે, તેનાથી તેઓ ઘણા પ્રભાવિત છે. તેમણે કહ્યું હતું કે, ઐતિહાસિક રીતે દુનિયા એકધ્રુવીય, દ્વિધ્રુવીય અથવા તો ત્રિધ્રુવીય હતી, જ્યાં તમારે પક્ષ લેવો જ પડતો હતો. હું તમારા વિદેશ પ્રધાનથી ઘણો જ પ્રભાવિત થયો છું. મેં તેમના કેટલાક ભાષણ જોયા છે.
તેમણે કહ્યું હતું કે જો UAE ભારત સાથે કામ કરે છે, તો તેનો અર્થ એ નથી કે તે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કામ કરી શકશે નહીં. “અમે ત્રણેય સાથે મળીને કામ કરી શકીએ છીએ. I2U2 (ભારત-ઇઝરાયેલ-યુએઇ-યુએસએ) જૂથ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.”
વેપાર અને રોકાણના મહત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે હવે વેપાર મારફત વિશ્વ પર પ્રભુત્વ મેળવવાનો સમય છે. ભારત અને UAE જેવા દેશો સમગ્ર વિશ્વમાં તેમના પ્રભાવમાં નોંધપાત્ર વધારો કરવા સાથે મળીને કામ કરી શકે છે.