વ્હાઇટ હાઉસમાં સોમવાર, 13મેએ ફરી એકવાર ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’ની ધૂન ગુંજી ઉઠી હતી. વ્હાઇટના રોઝ ગાર્ડન ખાતે વાર્ષિક એશિયન અમેરિકન, નેટિવ હવાઇયન એન્ડ પેસિફિક આઇલેન્ડર (AANHPI) હેરિટેજ મન્થની ઉજવણી કરવા માટે એકત્ર થયેલા સેંકડો એશિયન અમેરિકનો સમક્ષ વ્હાઇટ હાઉસના મરીન બેન્ડે આ ભારતીય દેશભક્તિનું ગીત વગાડ્યું હતું.
ઇન્ડિયન અમેરિકનોના અનુરોધને પગલે મરીન બેન્ડ ભારતની સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મોહમ્મદ ઈકબાલ દ્વારા લખાયેલ આ દેશભક્તિ ગીત બે વખત વગાડ્યું હતું. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને વાર્ષિક સમારંભ માટે ઇન્ડિયન અમેરિકોને પણ આમંત્રણ આપ્યું હતું.
રોઝ ગાર્ડન રિસેપ્શન બાદ ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીના લીડર અજય જૈન ભુટોરિયાએ જણાવ્યુ હતું કે રોઝ ગાર્ડન ખાતે વ્હાઇટ હાઉસના AANHPI હેરિટેજ મન્થની આ અદભૂત ઉજવણી હતી. સૌથી સારી શ્રેષ્ઠ બાબત એ હતી કે હું વ્હાઇટ હાઉસમાં પ્રવેશ્યો ત્યારે સંગીતકારોએ ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’ વગાડતા મારું સ્વાગત કર્યું હતું.
એક વર્ષથી ઓછા સમયમાં આ બીજી વખત છે, જ્યારે વ્હાઇટ હાઉસમાં ભારતનું લોકપ્રિય દેશભક્તિ ગીત વગાડવામાં આવ્યું હતું. અગાઉ 23 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક મુલાકાત દરમિયાન આ ગીત વગાડવામાં આવ્યું હતું. મોદીની મુલાકાત પહેલા મરીન બેન્ડે આ ગીતની પ્રેક્ટિસ કરી હતી.
કેલિફોર્નિયા સ્થિત ભુટોરિયાએ જણાવ્યું હતું કે મને ખૂબ સારું લાગ્યું. વ્હાઇટ હાઉસમાં તે ગર્વની ક્ષણ હતી… મેં તેમની સાથે ગાવાનું શરૂ કર્યું અને પછી મેં તેમને ફરી એકવાર તેને વગાડવા વિનંતી કરી હતી. AANHPI હેરિટેજ મન્થ દરમિયાન આ ગીત વગાડવું એ પણ પ્રતિબિંબિત કરે છે કે પ્રેસિડન્ટ બાઇડન અને તેમની ટીમ ભારત-યુએસ સંબંધો અને ભારતીય અમેરિકનોની કેટલી કાળજી રાખે છે.