ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ વન-ડે મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આની સાથે ન્યુઝીલેન્ડે આ સિરિઝ 1-0થી જીત્યું છે. વરસાદના કારણે રમતમાં વિક્ષેપ પડ્યો ત્યારે ભારતના 220 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ન્યૂઝીલેન્ડે 18 ઓવરમાં 1 વિકેટે 104 રન બનાવ્યા હતા અને અંતે તેને રદ કરવાની ફરજ પડી હતી. ફિન એલન 57 રને આઉટ થયો હતો.
અગાઉ ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે તેની પ્રથમ વન-ડે અર્ધશતક ફટકારી હતી, પરંતુ ન્યુઝીલેન્ડે ભારતને 219 રનમાં આઉટ કરી દીધું હતું. એડમ મિલ્ને અને ડેરીલ મિશેલે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી. ન્યૂઝીલેન્ડના સુકાની કેન વિલિયમસને ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
બંને દેશો વચ્ચેની સિરિઝની પ્રથમ મેચ ન્યુઝીલેન્ડે સાત વિકેટથી જીતી હતી. ત્યાર બાદ બીજી મેચમાં ભારતીય ટીમ 12.5 ઓવરમાં એક વિકેટે 89 રન બનાવી શકી હતી, ત્યારે પણ વરસાદ આવ્યો હતો મેચ રમી શકાઈ ન હતી. ત્રીજી વન-ડેમાં પણ ભારતે પ્રથમ બેટીંગ કરતા 220 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ન્યુઝીલેન્ડે 1 વિકેટે 18 ઓવરમાં 104 રન બનાવ્યા હતા, જોકે આ બીજી મેચ પણ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. 20 ઓવર પૂર્ણ ન થવાના કારણે ડકવર્થ લુઈસનો નિયમ પણ લાગુ ન થઈ શક્યો, જેના કારણે આ મેચ રદ થઈ હતી.