અમદાવાદ રિવરફ્રન્ટમાં સાબરમતી નદી ઉપર રૂ.૭૪ કરોડના ખર્ચે બનેલાં અને બહુ પ્રસિદ્ધિ પામેલા ફૂટઓવર બ્રિજ (અટલબ્રિજ) ઉપર લગાવવામાં આવેલાં જાડા કાચમાં તિરાડ પડ્યાના અહેવાલ મળ્યા હતા. આટલા મજબૂત કાચમાં તિરાડ કઇ રીતે પડી તેની તપાસ ચાલુ છે. આ વિસ્તારને તાત્કાલિક બેરિકેડ કરવામાં આવ્યો હતો, અને પુલ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને શા માટે કાચ તૂટી ગયો તે સમજાવવા માટે બોલાવવામાં આવ્યો હતો.
સાબરમતી રિવરફ્રન્ટમાં નવા આકર્ષણ ઉમેરવાની કવાયતનાં ભાગરૂપે એલિસબ્રિજ અને જમાલપુર બ્રિજ વચ્ચે ઇવેન્ટ સેન્ટર પાસે અનોખો પેડેસ્ટ્રિયન બ્રિજ(ફૂટઓવર બ્રિજ) બનાવવામાં આવ્યો હતો
રિવરફ્રન્ટમાં બનાવાયેલાં ૩૦૦ મીટર લંબાઇનાં અટલ ફૂટ ઓવર બ્રિજનાં નિર્માણકાર્યમાં ૨૭૦૦ ટન જેટલું સ્ટીલ અને તેની ઉપર ચાલવા માટે આરસીસીનો ફ્લોર બનાવાયો છે, જેમાં નદીની સુંદરતા નિહાળી શકાય તે માટે રેલીંગ અને ફ્લોર ઉપર મજબૂત કાચ લગાવવામાં આવ્યાં છે. તે પૈકીનાં એક કાચમાં આજે કોઇ અકળ કારણોસર તિરાડો પડી જતાં તે હિસ્સાને બેરિકેડ લગાવી બંધ કરવામાં આવ્યો છે. આ બાબતે તપાસ કરતાં રિવરફ્રન્ટનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું કે, કાચમાં તિરાડો પડી જવા બાબતે એજન્સીને જાણ કરવામાં આવી છે અને આગામી પંદરેક દિવસમાં જૂના તિરાડોવાળા કાચની જગ્યાએ નવો કાચ લગાવાશે, તે પહેલાં તેમાં તિરાડ કેમ પડી ગઇ તેની વિસ્તૃત તપાસ કરાશે, જેથી કોઇ ટેકનિકલ ખામી રહી ગઇ હોય તો તેની જાણ થઇ શકે અને તેને સુધારી લેવાશે.