હિન્ડનબર્ગના ગંભીર આક્ષેપોને પગલે સુપ્રીમ કોર્ટે રચેલી નિષ્ણાતોની સમિતિએ અદાણી ગ્રૂપને ક્લીનચીટ આપી છે. સમિતિએ જણાવ્યું હતું મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીની પણ નિયમનકારી નિષ્ફળતા નથી. અદાણી ગ્રુપે શેરના ભાવમાં ચેડા કર્યા નથી અને ગ્રૂપે નાના રોકાણકારોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લીધા છે. તેનાથી શેરમાં રોકાણકારોને વિશ્વાસ પુનઃસ્થાપિત થયો હતો અને હાલમાં ગ્રૂપના શેરના ભાવમાં સ્થિરતા છે.
સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા અહેવાલમાં સમિતિ જણાવ્યું હતું કે હાલના તબક્કે સેબીએ કરેલી સ્પષ્ટતા અને સંબધિત ડેટાને ધ્યાનમાં લીધા પછી પ્રાથમિક દ્રષ્ટિએ સમિતિ માટે એવું નિષ્કર્ષ કાઢવું શક્ય બનશે નહીં કે ભાવમાં ચેડાંના આરોપની આસપાસ નિયમનકારી નિષ્ફળતા રહી છે
અદાણી ગ્રૂપ સામે હિંડનબર્ગના આરોપોની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિષ્ણાતોની સમિતિની નિમણૂક કરી હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં તેના તારણો સુપરત કરનાર સમિતિએ જણાવ્યું હતું કે સેબીને જાણવા મળ્યું હતું કે હિન્ડેનબર્ગ રિપોર્ટ પહેલાં કેટલીક એન્ટિટીએ શોર્ટ પોઝિશન (મંદીની પોઝિશન) લીધી હતી અને અને તેમને ફાયદો થયો હતો, કારણ કે હિન્ડનબર્ગના રીપોર્ટને પગલે અદાણી ગ્રૂપના શેરોમાં ધોવાણ થયું હતું. સમિતિને એક જ પક્ષો વચ્ચે ઘણી વખત કૃત્રિમ ટ્રેડિંગ અથવા વોશ ટ્રેડની કોઈ પેટર્ન મળી નથી.
આ સમિતિના સભ્યોમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ એએમ સપ્રે, બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ જે.પી. દેવધર, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન ઓપી ભટ્ટ, આઈસીઆઈસીઆઈ બેન્કના ભૂતપૂર્વ વડા કે.વી. કામથ, ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણી અને સિક્યોરિટીઝ અને રેગ્યુલેટરી એક્સપર્ટ સોમશેખર સુંદરેસનનો સમાવેશ થાય છે.