સુપ્રીમ કોર્ટે સોમવારે જૂનાગઢ જિલ્લાના ત્રણ પોલીસને એક વ્યક્તિને કસ્ટડીમાં ટોર્ચર કરવા બદલ નીચલી હાઇકોર્ટે ફટકારેલી સજા યથાવત રાખી હતી. આ કેસમાં મેજિસ્ટ્રિયલ કોર્ટે ચાર પોલીસકર્મીઓમાંથી તત્કાલિન પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બળવંત સોનારાને ત્રણ વર્ષની જેલ અને ત્રણ કોન્સ્ટેબલ રમેશ પાનસુરિયા, રામજી મિયાત્રા અને દાદુભાઈ મેરને એક-એક વર્ષની કેદની સજા ફટકારી હતી. તેમાંથી એક મેરનું મૃત્યું થયું છે.

જૂનાગઢ જિલ્લાની આ ઘટના ૧૯ વર્ષ પહેલાની છે. આ કેસમાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં હિંમત લિંબાણી નામના વ્યક્તિને પોલીસ સ્ટેશન લઈ જઈને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ કૃત્યમાં પીડિત હિંમત લિંબાણીના ભાઈને પોલીસ દ્વારા તેનું મૂંડન કરવાની ફરજ પાડવામાં આવી હતી અને બીજા દિવસે હિંમત લિંબાણીનું મોઢું કાળું કરી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

પીડિતને જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું,આ કેસમાં વિસાવદરની સેશન્સ કોર્ટે ૨૦૨૨માં પોલીસકર્મીઓને સજા કરી હતી. તેને હાઇકોર્ટે યથાવત રાખી હતી. ફેબ્રુઆરી ૨૦૦૪ની આ ઘટનામાં પીડિત હિંમત લિંબાણીને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય તો મળ્યો છે, પરંતુ વિધિની વક્રતા એ છે કે હાલ તેઓ આ દુનિયામાં હયાત નથી. કસ્ટોડિયલ ટોર્ચર અને જાહેરમાં અપમાનનો ભોગ બનેલા હિંમત લિંબાણીનું ૨૦૦૮માં જ અવસાન થયું હતું, જોકે તેમના પરિવારજનોએ તેમના મોત બાદ પણ ન્યાય માટેની આ લડાઈ ચાલુ રાખી હતી.

LEAVE A REPLY