સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ અંગેના ફોજદારી માનહાનિ કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાથી રાહુલ ગાંધી માટે ફરી સાંસદ બનવાનો અને ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો છે.
જોકે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે તેમની ટિપ્પણી ખાસ કરીને જાહેર જીવનના વ્યક્તિ માટે સારી નથી. અગાઉ સુરતની કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીને મહત્તમ બે વર્ષની સજા ફટકારી હતી અને તેનાથી તેમનું સાંસદ પદ છીનવાઈ ગયું હતું. જો સુપ્રીમ કોર્ટે સ્ટે ન આપ્યો હોત તો તેઓ પાંચ વર્ષ સુધી ચૂંટણી પણ લડી શક્યાં ન હોત.
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટના નિર્ણયની વ્યાપક અસર થઈ છે. માત્ર રાહુલ ગાંધીના જાહેર જીવનના અધિકારને જ નહીં, પણ તેમને ચૂંટનારા મતદારોને પણ અસર થઈ હતી. ટ્રાયલ જજે મહત્તમ સજા ફટકારવાનું કોઈ કારણ આપ્યું નથી. અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી સજાના હુકમ પર સ્ટે મૂકવો જરૂરી છે. રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જેઓનું નામ લીધું હતું તેમની સામે કોઈએ કેસ કર્યો નથી. રસપ્રદ વાત એ છે કે 13 કરોડના આ ‘નાના’ સમુદાય સામે માત્ર ભાજપના પદાધિકારીઓએ જ કેસ દાખલ કર્યા છે. ખૂબ જ વિચિત્ર લાગે તેવી વાત છે.
સુપ્રીમકોર્ટે કહ્યું કે જ્યાં સુધી રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેમની દોષસિદ્ધી પણ રોક યથાવત્ રહેશે. સુપ્રીમકોર્ટે રાહુલ ગાંધીને સજા સંભળાવવા સામે પણ સવાલો ઊઠાવ્યા હતા. સુપ્રીમકોર્ટનો આ નિર્ણય રાહુલ ગાંધી, કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષી ગઠબંધન માટે અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે.
સુપ્રીમકોર્ટના આ ચુકાદાની સાથે જ હવે રાહુલ ગાંધી માટે સંસદના દ્વાર ખુલી ગયા છે. હવે રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ પણ બહાલ થવાનો માર્ગ મોકળો થયો છે. જો રાહુલનું સંસદ સભ્યપદ છીનવાઈ ગયા બાદ કેરળની વાયનાડ સીટ પર પેટાચૂંટણી યોજાઈ ગઈ હોત તો તેમનું સભ્યપદ બહાલ ન થયું હોત. પણ અત્યાર સુધી વાયનાડ સીટ પર પેટાચૂંટણી યોજાઈ નથી. સુપ્રીમકોર્ટના આ નિર્ણયની સાથે જ રાહુલ ગાંધી 2024ની ચૂંટણી લડવાની સંભાવનાઓ પર છવાયેલા સંકટના વાદળો ફંટાઈ ગયા છે. તેઓ હવે 2024ની લોકસભા ચૂંટણી લડી શકશે.
કોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગમે તે થાય, મારું કર્તવ્ય એ જ રહેશે. ભારતના વિચારની રક્ષા કરવાનો.
અગાઉ બુધવારે રાહુલ ગાંધીએ એફિડેટિવ દાખલ કરી હતી અને આ મુદ્દે માફી માગવાનો ફરી ઇનકાર કર્યો હતો. એફિડેવિટમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આ ગુના માટે દોષી નથી. જો તેમણે માફી માગવી હોત તો પહેલા જ માગી લીધી હોત. રાહુલ ગાંધીએ તેમની બે વર્ષની સજા પર રોક લગાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. એફિડેવિટમાં કહેવાયું છે કે, રેકોર્ડમાં મોદી નામનો કોઈ સમુદાય કે સમાજ નથી અને એટલે, સમગ્ર રીતે મોદી સમાજને બદનામ કરવાનો ગુનો નથી બનતો. રેકોર્ડમાં કોઈ મોદી સમાજ કે સમુદાય નથી અને માત્ર મોદી વણિકા સમાજ કે મોઢ ઘાંચી સમાજ જ અસ્તિત્વમાં છે… તેમણે (ફરિયાદ કરનારે) પણ એ સ્વીકાર્યું છે કે, મોદી ઉપનામ જુદી-જુદી અન્ય જાતિઓ અંતર્ગત આવે છે. એ પણ સ્વીકારોક્તિ છે કે, નીરવ મોદી, લલિત મોદી અને મેહલ ચોક્સી બધા એક જ જાતિમાં નથી આવતા.
રાહુલ ગાંધી સામે ગુજરાતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં આપેલા એક ભાષણમાં કહ્યું હતું કે, બધા ચોરોની સરનેમ મોદી હોય છે. ફરિયાદ કરનારા મુજબ રાહુલ ગાંધીએ આ ટિપ્પણી પર માફી માગવાને બદલે અહંકાર બતાવ્યો છે અને તેમનું વલણ નારાજ સમુદાય પ્રત્યે અસંવેદનશીલતા અને કાયદાની અવમાનના દર્શાવે છે. તેમણે પોતાની ટિપ્પણી માટે માફી નથી માગી.