સુપ્રીમ કોર્ટે તેની હાલની કામગીરી અને સિદ્ધિઓ દર્શાવવા તથા કોર્ટના કામકાજની સમજ આપવા માટે માસિક ન્યૂઝલેટર શરૂ કર્યાં છે. સુપ્રીમ કોર્ટ ક્રોનિકલ નામના પ્રથમ ન્યૂઝલેટરના પબ્લિકેશનની જાહેરાત કરતાં મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે કહ્યું હતું કે તેમાં કોર્ટના ઇતિહાસની ઝલક, મુખ્ય ચુકાદાઓના વિહંગાવલોકન તથા ન્યાયતંત્રના વચનોને સાકાર કરવા દિવસ-રાત મહેનત કરતાં વ્યક્તિઓની કહાની વાંચી શકાશે. સુપ્રીમ કોર્ટ ક્રોનિકલ સુપ્રીમ કોર્ટની કામગીરી વિશેની માહિતીનો મુખ્ય સ્ત્રોત બનશે અને વાચકોને કોર્ટરૂમની અંદર અને તેની બહાર આ કોર્ટની પ્રવૃત્તિઓ વિશે અપડેટ રાખશે. મુખ્ય ન્યાયાધીશે આ ન્યૂઝલેટરને કોર્ટની પારદર્શકતા, જોડાણ અને પ્રગતિનો નવો યુગ ગણાવ્યો હતો.