સુપ્રીમ કોર્ટે શુક્રવાર, 11 નવેમ્બરે યુક્રેનથી પરત આવેલા અને કેન્દ્રના એકેડેમિક મોબિલિટી પ્રોગ્રામનો લાભ લીધો હોય તેવા મેડિકલ વિદ્યાર્થીઓની કેન્દ્ર સરકાર પાસેથી માહિતી માગી છે. એકેડેમિક મોબિલિટી પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓ બીજા દેશોની યુનિવર્સિટીઓ અથવા કોલેજમાં તેમના અધુરા કોર્સ પૂરા કરી શકે છે.

કેન્દ્રએ કહ્યું હતું કે તે યુદ્ધને કારણે યુક્રેનથી પરત આવેલા તબીબી વિદ્યાર્થીઓને ભારતીય મેડિકલ ઇન્સ્ટીટ્યૂટ કે યુનિવર્સિટીઓમાં સમાવી શકાશે નહીં, કારણ કે તેનાથી મેડિકલ એજ્યુકેશન સિસ્ટમ ખોરવાઈ જશે. સુપ્રીમ કોર્ટે મોબિલિટી સ્કીમમાં કેવી પ્રગતિ થઈ છે અને ત્રીજા દેશમાં કેટલાં વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યા છે તેની ચોક્કસ સંખ્યા આપવા કેન્દ્ર સરકારને તાકીદ કરી હતી.

કેન્દ્ર વતી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્ચર્યા ભાટીએ જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયની સહાય સાથે નેશનલ મેડિકલ કાઉન્સિલે 6 સપ્ટેમ્બરે નોટિફિકેશન જારી કરીને એકેડેમિક મોબિલિટી પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ યુક્રેનની મુખ્ય યુનિવર્સિટીની મંજૂરી સાથે બીજા દેશોમાં બાકીનો કોર્સ પૂરો કરવામાં આવે તો તેને એનએમસી માન્યતા આપશે.

LEAVE A REPLY