સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત મનસ્વી ઉપયોગ અંગેની 14 વિરોધ પક્ષોએ કરેલી એક અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોંગ્રેસની આગેવાની હેઠળ 14 વિરોધ પક્ષોએ ભવિષ્યમાં તપાસ એજન્સીઓના ઉપયોગ અંગે ગાઇડલાઇન જારી કરવાની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બનેલી બેંચે કહ્યું કે કેસના તથ્યો સાથે સંબંધ રાખ્યા વિના સામાન્ય માર્ગદર્શિકા બનાવવી ખતરનાક હશે. કોર્ટના આ નિરીક્ષણ પછી વરિષ્ઠ વકીલ એએમ સિઘવીએ રાજકીય પક્ષો તરફથી હાજર રહીને અરજી પાછી ખેંચવાની પરવાનગી માંગી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હાલના તબક્કે અરજી પાછી લેવાની વકીલે માગણી કરી છે. તેથી આ અરજીને નકારી કાઢવામાં આવે છે.
આ અરજીમાં વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ કરે છે. કોંગ્રેસ ઉપરાંત DMK, RJD, BRS, તૃણમૂલ કોંગ્રેસ, AAP, NCP, શિવસેના (UBT), JMM, JD(U), CPI(M), CPI, સમાજવાદી પાર્ટી, J-K નેશનલ કોન્ફરન્સ સહિતના વિરોધ પક્ષોએ આ અરજી કરી હતી.