સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી‘ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. જોકે કોર્ટે ફિલ્મમાં તે વાસ્તવિક સ્થિતિ દર્શાવતી નથી તેવું ડિસ્ક્લેમર મૂકવાની તાકીદ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરી હતી કે મુઠ્ઠીભર લોકો પ્રતિબંધ નક્કી કરી શકે નહીં. પ્રતિબંધ હટાવતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે જો કોઈને ફિલ્મ પસંદ ના હોય તો તેણે ફિલ્મ ના જોવી જોઈએ.
મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર લોકોની ભાવનાઓ પર નિર્ભર નથી. મુઠ્ઠીભર લોકો પ્રતિબંધ લગાવી શકતા નથી. જો કોઈને ફિલ્મ ના ગમતી હોય તો ના જુઓ, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્યની છે. રાજ્ય સરકારનો પ્રતિબંધ ગેરવાજબી છે.
આ ફિલ્મમાં હિન્દુ યુવતીઓને મુસ્લિમમાં ધર્માંતરણ કરીને તેમને તુર્કીમાં ત્રાસવાદી સંગઠનમાં મોકલવામાં આવી હોવાની કહાની છે. ફિલ્મ નિર્માતા સુદિપ્તો સેને જણાવ્યું હતું કે, તેમણે આ વિષય પર 7 વર્ષ સુધી રિસર્ચ કર્યું છે. ઉપરાંત તેમની પાસે 100 કલાકથી પણ વધુની ટેસ્ટિમોની છે. જ્યારે હજારો પેજના ડોક્યુમેન્ટ પણ છે, જેને તેમણે આખી દુનિયામાંથી મેળવ્યા છે.