સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરા ટ્રેનકાંડ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક દોષિત માટે ગુરુવારે જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે દોષિત છેલ્લા 17 વર્ષથી જેલમાં છે. દોષિત ફારુખ વતી હાજર રહેલા વકીલે આટલા વર્ષના જેલવાસ બાદ જામીનની માગણી કરી હતી..
ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જામીનનો વિરોધ કરતાં આ ગુનાને “સૌથી જઘન્ય” ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. સામાન્ય રીતે પથ્થરમારો નાનો ગુનો છે, પરંતુ આ કેસમાં મુસાફરો બહાર ન આવી શકે તે માટે ટ્રેનના કોચને બંધ કરાયો હતો અને પથ્થરમારો કરાયો હતો. હાઇકોર્ટે 9 ઓક્ટોબર 2017એ ફારુખની જામીન અરજી ફગાવી દીધી હતી. અરજદારે એ આધાર પર જામીનની માંગણી કરી છે કે તે 2004થી કસ્ટડીમાં છે અને લગભગ 17 વર્ષથી જેલવાસ ભોગવી રહ્યો છે. કેસની હકીકતો અને સંજોગો અને અરજદારની ભૂમિકાને ધ્યાનમાં રાખીને કેટલીક શરતો અને નિયમોને આધીન સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે.