સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2002ના ગોધરા ટ્રેનકાંડ કેસમાં આજીવન કેદની સજા પામેલા આઠ દોષિતો જામીન આપ્યા હતા અને ચાર દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ગોધરા ટ્રેનકાંડ પછી ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે દોષિતોને રાહત આપતી વખતે તેમને જેલવાસના સમય તથા તેમની અરજીઓનો ટૂંકસમયમાં નિકાલની શક્યતાને ધ્યાનમાં લીધી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે “અમે આદેશ આપીએ છીએ કે સેશન્સ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતો અને નિયમોને આધિન દોષિતોને જામીન પર મુક્ત કરવામાં આવે.”
જામીન મંજૂર થયા છે તેવા દોષિતોમાં અબ્દુલ સત્તાર ઇબ્રાહિમ ગદ્દી અસલા, યુનુસ અબ્દુલ હક સમોલ, મોહમ્મદ હનીફ અબ્દુલ્લા મૌલવી બદામ, અબ્દુલ રઉફ અબ્દુલ મજીદ ઇસા, ઇબ્રાહિમ અબ્દુલરઝાક અબ્દુલ સત્તાર સમોલ, અયુબ અબ્દુલ ગની ઇસ્માઇલ પટાલિયા, સોહેબ યુસુફ અહેમદ કલંદર અને સુલેમાન અહમદ હુસૈનનો સમાવેશ થાય છે.
જોકે સર્વોચ્ચ અદાલતે ચાર દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. તેમાં અનવર મોહમ્મદ મેહદા, સૌકત અબ્દુલ્લા મૌલવી ઇસ્માઇલ બદામ, મહેબૂબ યાકુબ મીઠા અને સિદ્દિક મોહમ્મદ મોરાનો સમાવેશ થાય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઘટનામાં તેમની ભૂમિકાને ઉજાગર કરીને તેમની જામીન અરજીઓનો વિરોધ કર્યો હતો.
જેમની જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી હતી તે દોષિતો માટે હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડે તેમની અરજીઓની સુનાવણી મોકૂફ રાખવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે આવતીકાલે તહેવાર છે.
અગાઉ ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તે માત્ર પથ્થરમારોનો કેસ નથી, કારણ કે દોષિતોએ સાબરમતી એક્સપ્રેસની એક બોગી બંધ કરી હતી અને તેને સળગાવી દીધી હતી, તેનાથી 59 મુસાફરોના મોત થયા હતા.
આ કેસમાં સજા સામેની અનેક અપીલો સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતના ગોધરા ખાતે ટ્રેનના S-6 કોચને સળગાવવામાં આવતાં 59 લોકો જીવતા ભૂંજાયા હતા. આ ઘટનાને પગલે રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતાં.
ઓક્ટોબર 2017ના ચુકાદામાં હાઈકોર્ટે ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં 11 દોષિતોને આપવામાં આવેલી ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. હાઇકોર્ટે અન્ય 20 લોકોને આજીવન કેદની સજા યથાવત રાખી હતી.