એક ઐતિહાસિક ચુકાદામાં ભારતની સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (EC)ની નિમણૂક વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બનેલી એક સમિતિની ભલામણ પર પ્રેસિડન્ટ કરશે. ભારતમાં હાલમાં ચૂંટણી કમિશનરોની પસંદગી માત્ર કેન્દ્ર સરકાર કરતી હોય છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા વિરોધ પક્ષોએ જણાવ્યું હતું કે આ ચુકાદો લોકશાહીને મજબૂત કરશે તથા મુક્ત અને ન્યાયી ચૂંટણી માટેનો માર્ગ મોકળો કરશે. કોંગ્રેસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)ની નિમણૂકમાં પણ આવી વ્યવસ્થા લાગુ કરવાની માગણી કરી છે. આ ચુકાદાને ઐતિહાસિક ગણાવતા કોંગ્રેસના પ્રવક્તા અભિષેક સિંઘવીએ કહ્યું કે તે મહત્વપૂર્ણ છે, કારણ કે ભાજપની આગેવાની હેઠળની સરકાર દ્વારા એજન્સીઓ અને સંસ્થાઓના દુરુપયોગને રોકવા માટે પગલાં લેવાની જરૂર છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ચુકાદાને લોકશાહીનો વિજય ગણાવ્યો હતો.
જસ્ટિસ કેએમ જોસેફની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે સર્વસંમતિથી આપેલા ચુકાદામાં કહ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાનો અવિરત દુરુપયોગ લોકશાહીની કબર ખોદવાનો માર્ગ બન્યો છે. લોકશાહીમાં ચૂંટણીની પવિત્રતા જાળવવી જોઈએ, નહીં તો તે વિનાશક પરિણામો તરફ દોરી જશે. આ મુદ્દે સંસદમાં કાયદો બનાવવામાં ન આવે ત્યાં સુધી ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં આ ચુકાદો લાગુ પડશે.
હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ECની નિમણૂક કેન્દ્રની ભલામણ પર બંધારણની કલમ 324 હેઠળ રાષ્ટ્રપતિ કરે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે જો લોકસભામાં વિપક્ષના નેતા ન હોય, તો સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતા સીઈસી અને ઈસીની પસંદગી માટેની સમિતિમાં હશે.
આ નિમણૂકો માટે કોલેજિયમ જેવી સિસ્ટમની માંગ કરતી શ્રેણીબદ્ધ અરજીઓની સુનાવણી કરતાં કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે રાજકીય પક્ષો અને તેના ઉમેદવારોનું ભાવિ અને તેથી લોકશાહીનું ભાવિ જ મોટા પાયે ચૂંટણી પંચના હાથમાં હોય છે. બીજા અધિકારીઓઓ કમિશનને મદદ કરતા હોય છે પરંતુ મહત્વપૂર્ણ નિર્ણયો તો ચૂંટણી કમિશનરો જ લેતા હોય છે.