ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ પછીના કોમી રમખાણોની પીડિતા બિલ્કિસ બાનોએ કરેલી એક રીવ્યુ પીટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, હવે કોર્ટ બિલ્કિસ બાનોના દોષિતોની સમય પહેલા મુક્તિ પર વિચાર કરવા ઇચ્છતી નથી. સુપ્રીમ કોર્ટે 11 દોષિતોની મુક્તિ સામે બિલ્કિસ બાનો દ્વારા કરવામાં આવેલી રીવ્યુ પીટિશનને શનિવારે ફગાવી છે. બિલ્કિસ બાનોએ તેની પીટિશનમાં 11 દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો અને મે 2022ના નિર્ણય પર ફરીથી વિચાર કરવા વિનંતી કરી હતી.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે 11 દોષિતોની માફી અરજીઓ પર નિર્ણય લેવાનો અધિકાર ગુજરાત સરકારને છે. આમ છતાં પણ મહારાષ્ટ્રમાં ટ્રાયલ ચલાવવામાં આવી હતી. બિલ્કિસ બાનોએ 11 દોષિતોની સમય પહેલા મુક્તિને પડકારવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તમામ દોષિતોને ફરીથી જેલમાં મોકલવા માગણી કરી હતી. અગાઉ જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી આ કેસની સુનાવણીમાંથી ખસી ગયા હતા. અગાઉ બિલ્કિસ બાનોએ કહ્યું હતું કે, આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને વહેલા મળેલી મુક્તિથી તેનો ન્યાય ઉપરનો વિશ્વાસ ઉઠી ગયો છે. બિલ્કિસ બાનો ગેંગરેપ અને પરિવારના સાત સભ્યોની હત્યાના દોષિત તમામ 11 લોકોને 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ-જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY