સુપ્રીમ કોર્ટે સોમવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી સામેની કોર્ટ તિરસ્કારની કાર્યવાહી બંધ કરી હતી. આ અગાઉ લલિત મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં ન્યાયતંત્ર વિરુદ્ધની તેમની ટિપ્પણી માટે બિનશરતી માફી માંગી હતી અને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી હતી.
જસ્ટિસ એમ.આર.શાહ અને સીટી રવિકુમારની બેન્ચે લલિત મોદીની એફિડેવિટની નોંધ લીધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં તેઓ એવું કંઈ કરશે નહીં જે કોઈપણ રીતે “કોર્ટ અથવા ભારતીય ન્યાયતંત્રની ભવ્યતા અથવા ગૌરવ” સાથે અસંગત હોય.
કોર્ટે જણાવ્યું હતું કે અમે બિનશરતી માફી સ્વીકારીએ છીએ. અમે પ્રતિવાદી (મોદી)ને યાદ અપાવીએ છીએ કે ભવિષ્યમાં તેમના તરફથી આવા કોઈપણ પ્રયાસ, જે ભારતીય ન્યાયતંત્ર અને અદાલતોની છબીને દૂરસ્થ રૂપે કલંકિત કરવા સમાન હશે, તેને ખૂબ જ ગંભીરતાથી જોવામાં આવશે.
13 એપ્રિલના રોજ સર્વોચ્ચ અદાલતે ન્યાયતંત્ર સામેની ટિપ્પણીના મુદ્દે લલિત લલિત મોદીની ભારે નિંદા કરી હતી અને તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને રાષ્ટ્રીય અખબારો પર બિનશરતી માફી માંગવા આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે તેમને માફી માંગવા પહેલાં એક સોગંદનામું દાખલ કરવાનો પણ આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે ભવિષ્યમાં એવી કોઈ પોસ્ટ કરવામાં આવશે નહીં કે જે ભારતીય ન્યાયતંત્રની છબીને ખરાબ કરતી હોય.