સુપ્રીમ કોર્ટે સોમવારે બળાત્કાર પીડિતા પર કરવામાં આવતા દાયકાઓ જૂના “ટુ-ફિંગર” ટેસ્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ચેતવણી આપી હતી કે આ આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ દોષિત ગણાશે.
“ટુ-ફિંગર” ટેસ્ટની આકરા શબ્દોમાં નિંદા કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રેપ થયો છે કે નહીં તેની પુષ્ટિ માટે દુષ્કર્મ પીડિતા પર કરવામાં આવતા ટુ-ફિંગર ટેસ્ટ અત્યંત અપમાજનક અને જુનવાણી પદ્ધતિ છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે આ પદ્ધતિનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. તેનાથી દુષ્કર્મ થયું કે નહીં તે પુરવાર થતું નથી. આ ઉપરાંત પીડિત મહિલાને ફરીથી અત્યંત અપમાનજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે અને તેનાથી તેના આત્મસન્માન અને ગરિમા પર કુઠારાઘાત થાય છે.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આ અદાલતના આદેશનું ઉલ્લંઘન કરી જે કોઈ વ્યક્તિ દુષ્કર્મનો ભોગ બનેલ પીડિતા પર ટુ-ફિંગર ટેસ્ટ કે યોનિ પરિક્ષણ કરશે તે દોષિત ગણાશે. આ કથિત પરિક્ષણ એવી ખોટી માન્યતા પર આધારિત છે કે જાતીય રીતે સક્રિય મહિલા પર દુષ્કર્મ ના થઈ શકે. મહિલા નિયમિત સેક્સ માણતી હોય કે ના માણતી હોય તે બાબત તેની પર રેપ થયો છે કે નહીં તે નક્કી કરવાનો આધાર ના હોઈ શકે. સુપ્રીમ કોર્ટે આ પરિક્ષણ પદ્ધતિને પુરુષપ્રધાન અને જાતિવાદી ગણાવી હતી.
રેપ અને હત્યા કેસના આરોપી શૈલેન્દ્ર કુમાર રાય ઉર્ફે પાંડવ રાય નામના આરોપીને છોડી મુકવા વિરુદ્ધ ઝારખંડ સરકારે કરેલી અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને હિમા કોહલીની ખંડપીઠે આ ટિપ્પણીઓ કરી હતી.