આગામી વર્ષે નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા નવી દિલ્હીમાં ભાજપની બે દિવસની રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો સોમવાર, 16 જાન્યુઆરીએ પ્રારંભ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેન્ટ્રલ દિલ્હીમાં એનએમડીસી હેડ ઓફિસથી પટેલ ચોક સુધીનો આશરે એક કિલોમીટરનો મેગા રોડ શો કરીને આ ચિંતન બેઠકમાં સામેલ થયા હતા.આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની મુદત લંબાવવામાં આવે તેવી શક્યતા છે.
કારોબારીની બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ રાજનાથ સિંહ અને પક્ષ પ્રમુખ જેપી નડ્ડા, તમામ મહાસચિવો, ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો, તમામ પ્રદેશ પ્રમુખો અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. નડ્ડાએ સોમવારે સવારે ભાજપના મુખ્યાલયમાં પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.
આ બેઠક એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે બેઠક શરૂ થયાના એક સપ્તાહ બાદ જ પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જોકે લોકસભાની ચૂંટણીમાં માત્ર એક વર્ષ બાકી છે, તેથી નડ્ડાને 2024 સુધી એક્સટેન્શન આપવામાં આવે એવી પ્રબળ સંભાવના છે.