(ANI Photo)

રાષ્ટ્રવાદી સંગઠન આરએસએસના વડા મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું કે વિશ્વમાં ભૌતિક પ્રગતિ થઈ હોવા છતાં વિશ્વ એ જ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, જેનું હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે. તમામ સમસ્યાઓનો ઉકેલ ‘ધર્મ’ અથવા ‘આધ્યાત્મિક એકતા’ના પ્રાચીન ભારતીય ખ્યાલમાં રહેલો છે.

આસામના ડિબ્રુગઢમાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર કલ્ચરલ સ્ટડીઝ (ICCS) દ્વારા આયોજિત 8મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એન્ડ ગેધરિંગ ઓફ એલ્ડર્સના પ્રથમ સત્રમાં તેમણે આ ટિપ્પણી કરી હતી. આ કોન્ફરન્સ પહેલી ફેબ્રુઆરી સુધી ચાલશે. ICCS એક સ્વયંસેવી સંગઠન છે, જે પ્રાચીન પરંપરાઓ અને સંસ્કૃતિના આધ્યાત્મિક ગુરુઓને સમર્પિત છે.

ભાગવતે જણાવ્યું હતું કે શિક્ષણ અને ટેકનોલોજીમાં પ્રગતિ થઈ હોવા છતાં હજુ પણ યુદ્ધો થાય છે તથા બાહ્ય અને આંતરિક શાંતિનો અભાવ છે. તેમણે અહંકાર અને મનની સંકુચિતતા પર ભાર મૂકીને જણાવ્યું હતું કે તે વ્યક્તિગત કે સામુદાયિક સ્તરે હોઇ શકે છે. તેમણે એવા લોકોની પણ ટીકા કરી હતી, જેઓ આવી વૃત્તિઓથી ઉપર હોવાનો દાવો કરે છે, પરંતુ પોતાના માટે બીજું એક ગ્રૂપ બનાવે છે.

ભાગવતના જણાવ્યા મુજબ આ સમસ્યાઓને સમજવા અને ઉકેલવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે, જેના પરિણામે વિવિધ સિદ્ધાંતો અને ફિલસૂફીઓ આવી છે, પરંતુ તે આખરે મુખ્યત્વે ભૌતિક સમૃદ્ધિ અને સૌથી મજબૂત વ્યક્તિ ટકી શકે તેના પર કેન્દ્રિત થઈ જાય છે.

તેમણે જણાવ્યું હતું કે ધર્મો પણ સ્થાયી ઉકેલો શોધવામાં નિષ્ફળ રહ્યા છે. બીજી તરફ પ્રાચીન પરંપરાઓ ‘આધ્યાત્મિક એકતા’ની વિભાવનાને માન્યતા આપે છે. આ આધ્યાત્મિક એકતાને ભારતમાં ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાચીન સંસ્કૃતિઓમાં સમજ હતી કે બધું એકબીજા સાથે જોડાયેલું છે અને સાચું સુખ બાહ્ય ઉપયોગને બદલે આંતરિક હોય છે. સાચું સુખ શોધવા માટે આ શાણપણના મહત્વનું છે.

 

 

LEAVE A REPLY