સંસદની સુરક્ષામાં તાજેતરમાં થયેલી ગંભીર ચૂકને પગલે સરકારે સંસદ ભવન સંકુલની સર્વગ્રાહી સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવાનો નિર્ણય કર્યો છે.
CISF નવા અને જૂના સંસદ સંકુલમાં એરપોર્ટ જેવી સુરક્ષા પૂરી પાડશે. તેમાં હેન્ડ હેલ્ડ ડિટેક્ટર્સથી વ્યક્તિના બોડી ફ્રિસ્કિંગ, એક્સ-રે મશીનો દ્વારા માલસામાનની તપાસનો સમાવેશ થાય છે. તેમાં જૂતા, ભારે જેકેટ્સ અને બેલ્ટને ટ્રે પર મૂકીને સ્કેનરમાંથી પસાર કરવાની પણ વ્યવસ્થા હશે.
અગાઉ દિલ્હી પોલીસ સંસદ સંકુલમાં મુલાકાતીઓની તપાસ કરતી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદ ભવન સંકુલના સર્વેક્ષણ માટે આદેશ આપ્યો હતો, જેથી CISF સુરક્ષાની નિયમિત તૈનાતી કરી શકાય. સંસદ ભવનની સમગ્ર સુરક્ષા CISFને સોંપવા માટે ગૃહ મંત્રાલય (MHA)ની સૈદ્ધાંતિક મંજૂરી પછી આ હિલચાલ કરાઈ હતી.