(istockphoto)

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ શુક્રવારે જણાવ્યું હતું કે તે બજારમાંથી રૂ.2,000ની ચલણી નોટો પાછી ખેંચી લેશે અને લોકો 30 સપ્ટેમ્બર સુધી નોટો બદલી શકે છે અથવા તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની 19 પ્રાદેશિક કચેરીઓ અને અન્ય બેંકો 23મેથી ₹2,000ની નોટ લેવાનું શરૂ કરશે અને બદલામાં નીચા મૂલ્યોને નોટો આપશે. જોકે રૂ.2,000 નોટ લિગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.

RBIએ તમામ બેંકોને ₹2,000ની નોટો જારી કરવાનું તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹1,000 અને ₹500ની નોટો રાતોરાત રદ કરવાની જાહેરાત કરી તે પછી નવેમ્બર 2016માં રિઝર્વ બેન્કે ₹2,000ની નોટ છાપવાનું શરૂ કર્યું હતું. તે રૂ.1,000 અને રૂ.500ની નોટ રદ કરાઈ હોવાથી સિસ્ટમની ચલણી નોટોને અછત સર્જાઈ હતી. તેથી રૂ.2,000ની નોટો છાપવામાં આવી હતી.

આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અન્ય મૂલ્યોની બેન્કનોટ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થઈ ગઈ હોવાથી ₹2,000ની બેન્કનોટ રજૂ કરવાનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયો છે તેથી, 2018-19માં ₹2000ની નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું.

રિઝર્વ બેન્કે વધુમાં જણાવ્યું હતું કે બેંક શાખાઓની નિયમિત પ્રવૃત્તિઓમાં વિક્ષેપ ન આવે તે માટે 23મે, 2023થી કોઈપણ બેંકમાં એક સમયે રૂ.20,000ની મર્યાદામાં ₹2,000ની બેન્કનોટોને અન્ય મૂલ્યોની બેન્કનોટમાં બદલી શકાય છે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે લોકો 30 સપ્ટેમ્બર સુધી એક સમયે રૂ.20,000ની મર્યાદામાં રૂ.2000ની નોટોને બદલી શકે છે અથવા ડિપોઝિટ કરી શકે છે.

LEAVE A REPLY