છેલ્લા કેટલાય સમયથી સ્કોટલેન્ડ યુનાઇટેડ કિંગ્ડમમાંથી આઝાદ થવા માટે પ્રયાસ કરી રહ્યું છે અને એવી અટકળો કરવામાં આવી રહી છે કે રાણીનું નિધન સ્કોટલેન્ડની આઝાદીની માંગને ઉત્તેજન આપશે.
315 વર્ષ સુધી યુનાઇટેડ કિંગડમનો ભાગ રહેલ સ્કોટલેન્ડને યુકેમાંથી અલગ કરવાની અને સ્વતંત્ર થવાની માંગ કરી રહેલ સ્કોટિશ નેશનાલીસ્ટ પાર્ટીના નેતા નિકોલા સ્ટર્જન આઝાદી માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે અને તાજેતરમાં પણ તેમણે આ માટે ફરીથી લોકમત યોજવાની માંગ કરી હતી.
ગત મે મહિનામાં, એક સર્વેમાં જણાયું હતું કે સ્કોટલેન્ડમાં રહેતા દર ત્રણમાંથી એક વ્યક્તિ મહારાણીના મૃત્યુ બાદ રાજાશાહીને ખતમ કરવાની માંગ કરે છે. જ્યારે બાકીના બ્રિટિશ લોકોના માત્ર ચોથા ભાગના લોકો જ માને છે કે રાણીનું મૃત્યુ રાજાશાહીને નાબૂદ કરવા માટેનો સારો સમય હશે.
સ્ટર્જને દલીલ કરી છે કે યુરોપિયન યુનિયન છોડવાના યુ.કે.ના નિર્ણય વખતે બહુમતી સ્કોટિશ લોકોએ વિરુદ્ધમો મત આપી ઇયુમાં રહેવાની તરફેણ કરી હતી. 2014માં સ્કોટલેન્ડની આઝાદીના લોકમત વખતે 55 ટકા સ્કોટિશ મતદારોએ સ્વતંત્રતા વિરુદ્ધ મતદાન કર્યું હતું.
સ્કોટલેન્ડને યુ.કે.માંથી આઝાદ કરવા વિશે પૂછાયેલા એક પ્રશ્નના જવાબ સંદર્ભે નવા વડા પ્રધાન લિઝ ટ્રસે આ અગાઉ કહ્યું હતું કે “અમે અમારા પરિવારને ક્યારેય વિભાજિત થવા દઇશું નહીં.”