સુરત કોર્ટને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા કર્યા પછી તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવામા આવ્યા હતા. જોકે હવે સુપ્રીમ કોર્ટમાં સાંસદો કે ધારાસભ્યોને બે વર્ષની જેલની સજાના કિસ્સામાં આપોઆપ ગેરલાયક ઠેરવતી લોકપ્રતિનિધિ ધારાની કલમ 8(3)ને પડકારવામાં આવી છે. રાહુલ ગાંધીના ઓટોમેટિક ડિસક્વોલિફિકેશન પછી કેરળના એક સામાજિક કાર્યકરે આ અરજી દાખલ કરી હતી.
કેરળના અરજદાર આભા મુરલીધરને રજૂઆત કરી છે લોકપ્રતિનિધિત્વ ધારા, 1951ની કલમ 8(3) હેઠળ આપોઆપ ગેરલાયક ઠેરવતી જોગવાઈ મનસ્વી અને ગેરકાયદેસર હોવાના કારણે બંધારણની ભાવનાથી અતિ વિપરિત છે. આપોઆપ ગેરલાયર ઠેરવતી જોગવાઈને કારણે ચૂંટાયેલા સાંસદો કે ધારાસભ્યો તેમના મતક્ષેત્રના મતદાતા પ્રત્યેની ફરજો મુક્તપણે નિભાવી શકતા નથી, જે લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલની જોગવાઈમાં ગુનાના પ્રકાર અને ગંભીરતાને ધ્યાનમાં રાખ્યા વગર સીધા ગેરલાયક ઠેરવવામાં આવે છે. તે કુદરતી ન્યાયના વિરુદ્ધમાં છે, કારણ કે અપીલના તબક્કામાં નીચલી કોર્ટનો ચુકાદો પલટાઈ જાય તેવી શક્યતા હોય છે. આવી સ્થિતિમાં મતદાતા માટે ફરજો બજાવતા લોકપ્રતિનિધિનો મૂલ્યવાન સમય વેડફાઈ જાય છે.
અરજીમાં જણાવાયું કે સંસદના સભ્યો લોકોનો અવાજ છે અને તેઓ તેમના એવા લાખો સમર્થકોના વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારને જાળવી રાખે છે. જેમણે તેમને ચૂંટ્યા છે. પોતાના લાખ્ખો સમર્થકોના અવાજ બનતા સંસદસભ્યોને કલમ 19(1)(એ) હેઠળ મળતા હકોને સ્થાપિત કરવામાં આવે તેવું અરજદાર ઇચ્છે છે. આપોઆપ ગેરલાયક ઠેરવતી જોગવાઈ જમીનપાત્ર કે બિનજામીનપાત્ર જેવા ગુનાના પ્રકારને પણ ધ્યાનમાં રાખતી નથી. આ જોગવાઈ ગુનાઓના વર્ગીકરણ અંગેની ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) પ્રથમ શેડ્યૂલને પણ અવગણે છે. અરજીમાં વધુમાં દલીલ કરાઈ છે કે સીઆરપીસીની કલમમાં છે તેમ ગેરલાયક ઠેરવવા માટેના કારણો ગુનાના સંદર્ભમાં સ્પેસિફિક હોવા જોઇએ.