વેદાંત લિમિટેડના પ્રમોટર ગ્રૂપ પૈકી એક એન્ટિટી ફિન્સાઈડર ઈન્ટરનેશનલ કંપનીએ ગુરુવારે વેદાંત લિમિટેડમાં 1.8% હિસ્સો રૂ.1,737 કરોડમાં વેચ્યો હતો. આ વેચાણ ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ઓગસ્ટમાં પણ અબજોપતિ અનિલ અગ્રવાલની આગેવાની હેઠળની અન્ય પ્રમોટર કંપની ટ્વીન સ્ટાર હોલ્ડિંગ્સે વેદાંતમાં 4.1 ટકા હિસ્સો રૂ.3,983 કરોડમાં વેચ્યો હતો.
બલ્ક ડીલ્સ ડેટા અનુસાર પ્રમોટર એન્ટિટીએ વેદાંતના શેરદીઠ રૂ.265.14ના ભાવે 6,55,18,600 શેર વેચ્યા હતાં. ડિસેમ્બરના અંતે ફિન્સાઈડર ઈન્ટરનેશનલ પાસે વેદાંત લિમિટેડમાં 4.40% હિસ્સો હતો, જ્યારે પ્રમોટર અને ગ્રૂપ એન્ટિટીનો સંયુક્ત રીતે કુલ 63.71% હિસ્સો હતો.
અગાઉ સૂત્રોએ સંકેત આપ્યો હતો કે પ્રમોટર દેવું ચૂકવવા માટે મૂડી એકત્ર કરવા માટે તેની બિડમાં આંશિક હિસ્સો વેચવાનું વિચારી રહ્યા છે. પ્રમોટર $1 બિલિયનનો હિસ્સો વેચવા માટે GQG પાર્ટનર્સ સાથે વાતચીત કરી રહ્યા હોવાની પણ ચર્ચા હતી.
ડિસેમ્બરના અંત સુધીમાં, વેદાંતનું ચોખ્ખુ દેવું રૂ.62,493 કરોડ ($7.5 બિલિયન) હતું. એક અબજ ડોલરના મૂલ્યના શેરના વેચાણથી કંપની માટે પેરેન્ટ-લેવલ ડેટમાં ત્રીજા ભાગનો ઘટાડો થઈ શકે છે. ગત સપ્તાહે પેરન્ટ વેદાંત રિસોર્સિસે જણાવ્યું હતું કે તેણે તેના બોન્ડધારકોને $779 મિલિયનની અગાઉથી ચુકવણી કરી છે અને ડેટ રિસ્ટ્રક્ચરિંગની કવાયતના ભાગ રૂપે ચુકવણી પૂર્ણ કરી છે. $3.2 બિલિયનના બોન્ડ્સની પાકતી મુદ્દત માટે ચૂકવણી માટે કંપનીને 2029 સુધીનો સમય મળ્યો છે.