તા. 21મી મેના રોજ લંડનના થિયેટર રોયલ ડ્રુરી લેનમાં યોજાયેલા ધ પ્રિન્સ ટ્રસ્ટ એવોર્ડ્સમાં ભારતની 18 વર્ષની આરતીને પ્રિન્સ ટ્રસ્ટ એન્ટરપ્રાઇઝ એમ્બેસેડર ચાર્લોટ ટિલબરી MBE દ્વારા અમલ ક્લુની વુમન્સ એમ્પાવરમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. તો લિવરપૂલની 30 વર્ષીય અમીનાને પ્રતિષ્ઠિત નેશનલ પ્રિન્સ ટ્રસ્ટ અને TK મેક્સ અને હોમસેન્સ એવોર્ડ – માર્વેલ યંગ ચેન્જમેકર એવોર્ડ એનાયત કરાયો હતો.
અમીના અને આરતીને બકિંગહામ પેલેસ ખાતે યોજાયેલા રિસેપ્શનમાં પ્રિન્સ ટ્રસ્ટના સ્થાપક ધ કિંગને મળવા માટે નિમંત્રીત કરાઇ હતી, મહારાજાએ એવોર્ડ વિજેતાઓને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન આપ્યા હતા. એવોર્ડ સમારંભમાં ઘણા સેલિબ્રિટી સમર્થકો અને યુવા ચેરિટીના એમ્બેસેડરોએ હાજરી આપી હતી.
જુલાઇ 2023 માં, પ્રિન્સ ટ્રસ્ટ ઇન્ટરનેશનલ અને આગા ખાન ફાઉન્ડેશન સાથે ભાગીદારીમાં ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહિલા ડ્રાઇવરોને સબસિડી સાથે ગુલાબી ઇ-રિક્ષા પ્રદાન કરવામાં આવી હતી. તેમાંની એક આરતી પ્રથમ પિંક ઈ-રિક્ષા ડ્રાઈવર બનીને અન્ય મહિલાઓ માટે સુરક્ષિત પરિવહન પ્રદાન કરે છે અને તેના ગામની અન્ય છોકરીઓને પ્રેરણા આપી છે.
આરતીએ કહ્યું હતું કે “હું પ્રોજેક્ટ લેહર, પ્રિન્સ ટ્રસ્ટ ઈન્ટરનેશનલ, બહરાઈચ જિલ્લા વહીવટીતંત્ર, તેમના પુષ્કળ સમર્થન અને મને આ પહેલ સાથે જોડવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગુ છું.”
માનવ તસ્કરીના પડકારોને પાર કરનાર અમીનાને જોહાન્સ રાડેબે અને ક્લેરા એમ્ફો દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. અમીનાએ એસાયલમ પ્રણાલીની જટિલતાઓનો સામનો કરીને મર્સીસાઇડ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ (MFRS) દ્વારા અપાતા ધ પ્રિન્સ ટ્રસ્ટ ટીમના 12-અઠવાડિયાના સેલ્ફ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં સ્થાન મેળવ્યું હતું અને હવે તેણી માનવ તસ્કરી, એસાયલમ અને શરણાર્થીઓના મુદ્દાઓ અંગે જાગૃતિ લાવે છે. અમીના હવે માઇગ્રન્ટ આર્ટિસ્ટ્સ મ્યુચ્યુઅલ એઇડ (MAMA) ના સહ-સ્થાપક છે, જે લિવરપૂલમાં સ્થળાંતર કરનારાઓ, એસાયલમ સિકર્સ અને શરણાર્થીઓને સહાય પૂરી પાડે છે. શિષ્યવૃત્તિ મેળવ્યા બાદ અમીના હાલમાં યુનિવર્સિટીમાં હેલ્થ એન્ડ વેલબીઇંગ સોશિયલ કેરમાં ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે.
આ એવોર્ડ અવરોધો સામે સફળ થયેલી અને સમુદાયો પર હકારાત્મક અસર ઉભી કરતી વિશ્વભરની યુવા મહિલાઓની સિધ્ધિઓની ઉજવણી કરે છે.
કિંગ ચાર્લ્સ III દ્વારા સ્થપાયેલ, ભૂતપૂર્વ પ્રિન્સ ઑફ વેલ્સ, પ્રિન્સ ટ્રસ્ટ ઇન્ટરનેશનલ, ધ કિંગ્સ ટ્રસ્ટ ઇન્ટરનેશનલ બની, રોજગાર, શિક્ષણ અને એન્ટરપ્રાઇઝ પ્રોગ્રામ્સ દ્વારા 20 દેશોમાં યુવાનોને ટેકો આપવામાં આવે છે. આ પુરસ્કાર એવી યુવા મહિલાઓના વૈશ્વિક કાર્યને ઓળખે છે જેઓ અવરોધો સામે સફળ થયા છે અને તેમની આસપાસના લોકો માટે કાયમી તફાવત લાવ્યા છે.