વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફોરન્સ દ્વારા 21 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરી રહ્યાં છે. તેમની 15 મિનિટની ઓપનિંગ કોમેન્ટ્સમાં મોદીએ કોરાના સામેની લડાઈમાં સરકારના પગલા, રાજ્યોનો સહયોગ, કોરોનાથી બચવાની રીતો, લોકડાઉનની અસર, અનલોક-1, ઈકોનોમિ અને આર્થિક સુધારાની વાત કરી.
મોદીએ કહ્યું કે કોરોના આપણી આટલી વસ્તી હોવા છતાં વિશ્વના બીજા દેશો જેટલો વિનાશ કરી શકયો નથી. વિશ્વના મોટા-મોટા એક્સપર્ટ લોકડાઉન અને ભારતની શિસ્તની ચર્ચા કરી રહ્યાં છે. ભારતમાં રિકવર રેટ 50 ટકાથી ઉપર છે. ભારત વિશ્વના એ દેશોમાં અગ્રણી છે, જ્યાં સંક્રમિતોનું જીવન બચી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ચંદીગઢ, ઉતરાખંડ, હિમાચલ, લદ્દાખ, ઝારખંડ, છત્તીગઢ, ગોવા, કેરળ, પુડુચેરી, અસમ, ત્રિપુરા, મેઘાલય, અરુણાચલ, મિઝોરમ, સિક્કિમ, મણિપુર, નાગાલેન્ડ, અંદમાન-નિકોબાર, દાદરા-નગર હવેલી અને દમણ દીવ, લક્ષદીપના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યાં છે. કોરોના સંકટ પર મોદી માર્ચથી સતત રાજ્યો સાથે ચર્ચા કરી રહ્યાં છે. આજે છઠ્ઠી બેઠક થશે. આ પહેલા 20 માર્ચ, 2 એપ્રિલ, 11 એપ્રિલ, 27 એપ્રિલ અને 11 મેના રોજ વીડિયો કોન્ફોરન્સિંગ થયું હતું.
મોદી સતત બે દિવસ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. બુધવારે મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉતર પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ બંગાળ સહિત 15 રાજ્યો સાથે વાત થશે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ 1 લાખ 10 હજાર 744 કેસ છે. દિલ્હીમાં પણ કેસ ઝડપથી વધી રહ્યાં છે.સરકારે દેશમાં એક જૂનથી અનલોક-1ની શરૂઆત કરી હતી. શરતોની સાથે ગત સપ્તાહથી હોટલ-રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ અને ધાર્મિક સ્થળો પણ ખોલવામાં આવ્યા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની પણ શરૂઆત થઈ ગઈ છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો સમક્ષ કોરોના સંક્રમણને રોકવું અને ઈકોનોમિને ગતિ આપવી એમ બે પડકારો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3.43 લાખથી વધુ થઈ ગઈ છે. સોમવારે 10 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. બીજ તરફ એક જ દિવસમાં 10 હજારથી વધુ દર્દીઓ સાજા પણ થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 9 હજાર 915 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં કોરોનાના દર્દીઓને સુવિધા ન મળી રહી હોવાની અને લાશોને કચરામાં ફેંકી દેવાની ફરિયાદો મળી રહી હતી. તેને જોતા સુપ્રીમ કોર્ટે ગત સપ્તાહે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી હતી. દિલ્હીની સ્થિતિ પર મોદીએ શનિવારે તેમના મંત્રીઓ અને સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પછીના દિવસે ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફ્ટિનન્ટ ગવર્નર અનિલ બૈજલ સાથે બેઠક કરી હતી. સોમવારે ગૃહ મંત્રી અમિત શાહે ઓલ પાર્ટી મીટિંગ પણ કરી હતી.