ઓટોમેટેડ ટેક્સ સર્વિસ ChatGPT સામે ઓસ્ટ્રેલિયાના મેયર કાનૂની દાવો માંડે તેવી શક્યતા છે. જો તેઓ ખરેખર આવું કરશે તો તે આ ચેટબોટ સામેનો પ્રથમ કાનૂની દાવો હશે. ઓસ્ટ્રેલિયાના મેયરે જણાવ્યું છે કે જો ઓપનએઆઇ તેના ચેટબોટ ChatGPTની ખોટી માહિતીમાં સુધારો નહીં કરે તો તે કંપની સામે બદનક્ષીનો કેસ દાખલ કરશે. ChatGPTએ તેની માહિતીમાં જણાવ્યું હતું કે મેયર લાંચના કેસમાં જેલમાં જઈ આવેલા છે.
હેપબર્નશાયરનામેયર બ્રાયન હૂડને જનતા પાસેથી આ અંગે સાંભળવા મળ્યું ત્યારે તેઓ પોતાના પ્રતિષ્ઠા બચાવવા માટે ચિંતિત છે. ChatGPTએ રિઝર્વ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયાની એક પેટાકંપની સંબંધિત વિદેશી લાંચ કૌભાંડમાં બ્રાયન હૂડ પણ દોષિત હોવાની ખોટી માહિતી આપી હતી. હૂડ પોતે નોટ પ્રિન્ટિંગ ઓસ્ટ્રેલિયા નામની આ પેટાકંપનીમાં નોકરી કરતાં હતા અને તેમણે ચલણી નોટાના છાપકાપના કોન્ટ્રાક્ટ માટે વિદેશી અધિકારીઓને લાંચ આપવામાં આવી હોવાથી સત્તાવાળાને માહિતી આપી હતી, પરંતુ તેમની સામે કોઇ આરોપ મૂકાયા ન હતા.
હુડના વકીલોએ જણાવ્યું હતું કે તેમણે 21 માર્ચે ChatGPTની માલિક કંપની ઓપનએઆઇને એક પત્ર લખીને જણાવ્યું હતું કે તે 28 દિવસમાં ભૂલ સુધારે અથવા તો બદનક્ષીના કાનૂની દાવા માટે તૈયાર રહે. જોકે સાન ફ્રાન્સિસ્કો સ્થિત આ કંપનીએ હજી સુધી હૂડના કાનૂની પત્રનો જવાબ આપ્યો નથી.
ગયા વર્ષે લોન્ચ કરાયા પછી ChatGPT ઝડપથી લોકપ્રિય બન્યું છે. માઇક્રોસોફ્ટે ફેબ્રુઆરીમાં તેના સર્ચ એન્જિન બિંગ સાથે ChatGPTનું સંકલન કર્યું હતું. ChatGPT એક ચેટબોટ છે, જે યુઝર્સ સાથે ટેક્સ્ટમાં વાતચીત કરી શકે છે અને યુઝર્સને કોઇ વ્યક્તિ સાથે વાતચીત કરતો હોય તેવો અનુભવ થાય છે.
