સાઉથ યોર્કશાયર પોલીસે ભૂતપૂર્વ ક્રિકેટર અઝીમ રફિક પ્રત્યેના કથિત હેઇટ ક્રાઇમ બાબતે એક શંકાસ્પદ વ્યક્તિની એક તસવીર જાહેર કરી છે, જેને તેઓ શોધી રહ્યા છે. આ વ્યક્તિએ ઓક્ટોબરમાં બાર્ન્સલીમાં રફિકના ઘરના બગીચાનો ઉપયોગ શૌચાલય તરીકે કર્યો હોવાનું કહેવાય છે. એવો દાવો કરવામાં આવે છે કે, આ ઘટના વંશીય રીતે પ્રેરિત હતી અને સાઉથ યોર્કશાયર પોલીસ તેમની વેબસાઇટ પર દર્શાવેલ વ્યક્તિને મળવા ઇચ્છે છે. આ અંગે પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારી બાર્ન્સલી ટીમ આ કથિત હેઇટ ક્રાઇમના મામલા ફોટોમાં રહેલા વ્યક્તિને શોધી રહી છે. 5 ઓક્ટોબરના રોજ સાંજે 6.18 વાગ્યે, એવું નોંધવામાં આવ્યું છે કે બાર્ન્સલીના ગાબેર રોડ પર બગીચા સામે એક વ્યક્તિ શૌચ કરી રહ્યો હતો.
“એવું માનવામાં આવે છે કે આ ઘટના, જેને જાહેર ગુના તરીકે ગણવામાં આવે છે, તે વંશીય રીતે પ્રેરિત કૃત્ય છે.” પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, “અમે આ વ્યક્તિ સાથે ચર્ચા કરવાનું વિચારીએ છીએ, કારણ કે અમને લાગે છે કે તે અમારી તપાસ આગળ વધારવામાં મદદ કરી શકશે.”
રફિકે ગત મહિનાની શરૂઆતમાં સાંસદોને જણાવ્યું હતું કે, યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં જ્યારે તેણે પ્રથમ વખત વંશવાદનો સામનો કર્યો હતો ત્યારથી તેને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ તરફથી કોઈ મદદ મળી નથી.
આ ભૂતપૂર્વ બોલરે ડિજિટલ, કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ (DCMS) સિલેક્ટ કમિટી સમક્ષ જણાવ્યું હતું કે, તેની સાથે થયેલા દુર્વ્યવહારને કારણે તેને યુકે છોડવાની ફરજ પડી છે. 31 વર્ષીય રફિકે કહ્યું હતું કે, “મને જરા પણ મદદ મળી નથી”. છેલ્લા બે મહિનામાં, મને 24/7 સુરક્ષા મળી છે, પરંતુ મને ત્યાંથી નીકળી જવાની ફરજ પડી છે.