જાપાનના હિરોશિમામાં જી7 દેશોની સમીટમાં ભાગ લીધા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 21એ પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતાં. એરપોર્ટ પર આ ટાપુ દેશના વડાપ્રધાન જેમ્સ મારાપેએ મોદીનું સ્વાગત કર્યું હતું અને મોદીના ચરણસ્પર્શ કર્યા હતાં. સામાન્ય રીતે પાપુઆ ન્યુ ગિની સૂર્યાસ્ત પછી આવતા કોઈપણ નેતાનું ઔપચારિક સ્વાગત કરતું નથી. પરંતુ વડાપ્રધાન મોદી માટે ખાસ અપવાદ કરવામાં આવ્યો હતો અને તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંના ભારતીય સમુદાયે વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. મોદીની પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત કોઈપણ ભારતીય વડાપ્રધાનને લીધેલી પ્રથમ મુલાકાત છે.
પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મરાપેએ જણાવ્યું હતું કે પેસિફિક ટાપુઓના રાષ્ટ્રો ભારતીય વડાપ્રધાનને ગ્લોબલ સાઉથના નેતા માને છે અને આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતના નેતૃત્વને સમર્થન આપશે. મોદીની સહ અધ્યક્ષતામાં યોજાયેલી ત્રીજી ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન (FIPIC) સમિટને સંબોધિત કરતી તેમણે જણાવ્યું હતું કે “અમે વૈશ્વિક પાવરપ્લેના શિકાર છીએ… તમે (PM મોદી) ગ્લોબલ સાઉથના નેતા છો. અમે વૈશ્વિક મંચો પર તમારા (ભારત) નેતૃત્વને સમર્થન આપીશું.” તેમણે વડાપ્રધાન મોદીને G20 અને G7 જેવા વૈશ્વિક મંચો પર નાના ટાપુ દેશોનો અવાજ બનવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે તમે એવા અવાજ છો જે અમારા મુદ્દાઓને ઉચ્ચતમ સ્તરે રજૂ કરી શકો છે.