(PTI Photo)

સરદહ પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ગઈ દિવાળી અને આ દિવાળી વચ્ચેનો સમયગાળો ભારત માટે અભૂતપૂર્વ સિદ્ધિઓથી ભરેલો રહ્યો છે. મોદીએ ચંદ્રયાન 3, આદિત્ય L1 લોન્ચ, એશિયન અને પેરાલિમ્પિક રમતોમાં 100થી વધુ મેડલ, નવા સંસદ ભવનમાં સ્થળાંતર, મહિલા અનામત બિલ, G20નું સફળ આયોજન અને જીડીપીની દ્રષ્ટિએ વિશ્વમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર સહિતની ભારતની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ સૈનિકોને સંબોધતા કહ્યું હતું કે “જો ભારત તેની સંપૂર્ણ શક્તિ સાથે વિકાસની ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે, તો તેનો શ્રેય તમારી ક્ષમતા, સંકલ્પ અને બલિદાનને પણ જાય છે. એક સમય હતો જ્યારે આપણે નાની નાની બાબતો માટે બીજા પર નિર્ભર રહેતા હતાં, પરંતુ હવે આપણે આપણા મિત્રો અને સહયોગીઓની જરૂરિયાતો પણ પૂરી કરી રહ્યા છીએ. સંરક્ષણ ક્ષેત્રે ભારત ઝડપથી મોટા વૈશ્વિક ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે અને દેશના સુરક્ષા દળોની ક્ષમતાઓ સતત વધી રહી છે. વિશ્વના સંજોગો એવા છે કે ભારત પાસેથી અપેક્ષાઓ સતત વધી રહી છે. બહાદુર સૈનિકો સરહદોની રક્ષા કરે ત્યાં સુધી દેશ સુરક્ષિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલપ્રદેશના લેપ્ચામાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના યુનિફોર્મમાં સજ્જ મોદીએ સૈનિકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે હાલના મહત્વપૂર્ણ સમયે ભારતની સરહદો સુરક્ષિત હોય અને દેશમાં શાંતિનું વાતાવરણ હોય તે જરૂરી છે અને તેમાં સૈનિકોની મોટી ભૂમિકા છે. જ્યાં સુધી મારા બહાદુરો સૈનિકો હિમાલયની જેમ સરહદો પર ઉભા છે ત્યાં સુધી ભારત સુરક્ષિત છે. આઝાદી પછી આ બહાદુરોએ ઘણા યુદ્ધો લડ્યા છે અને દેશનું દિલ જીતી લીધું છે. આપણા જવાનોએ પડકારોનો સામનો કરીને વિજય હાંસલ કર્યો છે. તેથી દિવાળી પર એક ‘દિયા’ તમારી સલામતી માટે છે, અને દરેક પ્રાર્થનામાં લોકો તમારી સલામતીની કામના કરે છે.

ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાંથી અને અન્ય આફતો દરમિયાન લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં સશસ્ત્ર દળોની ભૂમિકાની પ્રશંસા કરતાં મોદીએ જણાવ્યું હતું કે અમારે સુદાનમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવા પડ્યા ત્યારે ભારતના બહાદુરોએ હિંમતથી મિશન પૂરું કર્યું હતું. તુર્કિયેમાં ભૂકંપ આવ્યો હતો, ત્યારે સૈનિકોએ લોકોને બચાવવા માટે જીવ જોખમમાં મૂક્યો હતો. જ્યાં પણ ભારતીયો જોખમમાં હોય ત્યાં સુરક્ષા દળો તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા હંમેશા પ્રતિબદ્ધ છે. આપણને આપમી સેના અને સૈનિકો પર ગર્વ છે.

 

 

LEAVE A REPLY