નવી દિલ્હીમાં રવિવારે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હાલમાં વિશ્વ હિંસાથી ઘેરાયેલું છે, ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ દર્શાવેલો માર્ગ કરોડો લોકોમાં આશા જગાડે છે. સમાજ સુધારક અને આર્ય સમાજના સ્થાપકની 200મી જન્મજયંતિ નિમિત્તે સરકારે વર્ષભરની ઉજવણીઓનું આયોજન કર્યું છે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ભારતમાં મહિલા સશક્તિકરણ માટે અવાજ ઉઠાવવા ઉપરાંત સામાજિક ભેદભાવ, અસ્પૃશ્યતા અને આવી અનેક વિકૃતિઓ સામે મજબૂત ઝુંબેશ ચલાવી હતી. અમારી સરકાર પણ તેમના માર્ગ પર ચાલી રહી છે. આજે દેશની દીકરીઓ રાફેલ ફાઈટર પ્લેન ઉડાવી રહી છે. ભારત પર્યાવરણના ક્ષેત્રમાં પણ વિશ્વને માર્ગ બતાવી રહ્યું છે અને G20ની અધ્યક્ષતા ગૌરવની બાબત છે.
તેમણે જણાવ્યું હતું કે આજે દેશને વિશ્વાસ છે કે તે આધુનિકતા લાવશે અને તેના વારસાને પણ મજબૂત બનાવશે. આજે દેશ દરેકને ‘આપણા વારસા પર ગર્વ’ રાખવાનું આહ્વાન કરે છે. મહર્ષિ દયાનંદજીએ સમાજમાં વેદોની સમજને પુનર્જીવિત કરી હતી. વેદોએ જીવન જીવવાના માર્ગની વ્યાખ્યા કરી છે. ભારતીય ધર્મ માત્ર ધાર્મિક વિધિઓ નહીં, પરંતુ ફરજ છે.
સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ મંત્રનો પુનરુચ્ચાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ગરીબ, પછાત વર્ગ અને વંચિતોની સેવા કરવા માટેની ભારત સરકારની નીતિઓ અને પ્રયાસોમાં કોઈ ભેદભાવ નથી.