કોલકાતામાં આયોજિત સમાજવાદી પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીમાં બેઠક પછી પક્ષના નેતા અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે વિરોધ પક્ષો સામે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવા બદલ કોંગ્રેસની જેમ આગામી દિવસોમાં ભાજપ પણ રાજકીય રીતે સમાપ્ત થઈ જશે. કોંગ્રેસને વિપક્ષી મોરચામાંથી બહાર રાખવામાં આવશે કે નહીં તે અંગે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે, તેથી તેને તેની ભૂમિકા નક્કી કરવી પડશે. વિપક્ષી એકતા માટે અખિલેશ યાદવ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીને પણ મળ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે અગાઉ કોંગ્રેસ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરતી હતી અને હવે ભાજપ પણ તે જ કરી રહ્યો છે. કોંગ્રેસ હવે સમાપ્ત થઈ ગઈ છે. ભાજપની પણ આવી જ હાલત થશે.
લોકસભાની ચૂંટણીઓ પહેલા વિપક્ષી મોરચાની યોજનાઓ શું હશે તેવા પ્રશ્નના જવાબમાં અખિલેશે જણાવ્યું હતું કે આ યોજના જાહેર કરવામાં આવશે નહીં. વિરોધ પક્ષનો ધ્યેય ભાજપને હરાવવાનો છે. હાલમાં વિપક્ષી મોરચો બનાવવાના પ્રયાસો ચાલુ છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવ વિપક્ષી એકતાના પ્રયાસો કરી રહ્યા છે.