ભારતમાં 2014 પછીથી મેડિકલ કોલેજની સંખ્યા 69 ટકા વધીને 654 થઈ છે. 2014માં પહેલા મેડિકલ કોલેજની સંખ્યા 387 હતી.મેડિકલ કોલેજની સંખ્યામાં વધારાની સાથે MBBS બેઠકોની સંખ્યામાં પણ 94 ટકાનો વધારો થયો છે. આ સમયગાળામાં MBBS બેઠકોની સંખ્યા 51,348થી વધી 99,763 થઈ છે.
નવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની સ્થાપના માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના હેઠળ 22 એઇમ્સને મંજૂરી આપવામાં આવી છે અને તેમાંથી 19માં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો શરૂ થયા છે.
રાજ્યસભામાં રાજ્યકક્ષાના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ભરતી પ્રવિણ પવારે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે પોસ્ટગ્રેજ્યુએટ (પીજી) મેડિકલ બેઠકની સંખ્યામાં પણ 107 ટકાનો વધારો થયો છે, જે 2014 પહેલા 31,185 હતી. હવે આ બેઠકોની સંખ્યા વધીને 64,559 થઈ છે.
તેમણે જણાવ્યું હતું કે દેશમાં ડોક્ટર્સની સંખ્યામાં વધારો કરવા સરકારે મેડિકલ કોલેજની સંખ્યામાં વધારો કર્યો છે અને તેનાથી એમબીબીએસ બેઠકોની સંખ્યા પણ વધી છે. સરકારે દેશમાં મેડિકલ બેઠકોની સંખ્યામાં વધારો કરવા સંખ્યાબંધ પગલાં લીધા છે. કેન્દ્ર સરકારની સ્કીમ મારફત ડિસ્ટ્રિક્ટ કે રેફરલ હોસ્પિટલ્સને અપગ્રેડ કરીને નવી મેડિકલ કોલેજો શરૂ કરાઈ છે. સરકારે મંજૂર કરેલી 157માંથી 94 કોલેજો કાર્યરત પણ બની છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હાલની મેડિકલ કોલેજોને મજબૂત અથવા અપગ્રેડ કરવા માટે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના MBBS અને PG બેઠકોની સંખ્યા વધારવા માટે અમલમાં મૂકવામાં આવી છે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY) હેઠળ સરકારી મેડિકલ કોલેજને અપગ્રેડ કરીને સુપર સ્પેશિયાલિટી બ્લોક્સનું નિર્માણ કરવા માટે કુલ 75 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 60 પૂર્ણ થયા છે.