કોરોના મહામારી પછી ભારતમાં શેરબજારમાં લોકોના રસમાં અસાધારણ વધારો થયો છે અને છેલ્લા અઢી વર્ષમાં દેશમાં ડિમેટ એકાઉન્ટની સંખ્યામાં અઢી ગણો ઉછાળો આવ્યો છે. દેશમાં ઓગસ્ટ 2022 દરમિયાન ડિમેટ એકાઉન્ટની સંખ્યા પ્રથમ વખત 100 મિલિયનના આંકને વટાવી ગઈ હતી. ઓગસ્ટ મહિનામાં 2.2 મિલિયન નવા એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા, જે ચાર મહિનામાં સૌથી વધુ છે. એમ, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NDSL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી ડિપોઝિટરી સર્વિસિસ (CDSL)ના ડેટામાં મંગળવારે જણાવાયું હતું.
કોરોના મહામારી પહેલા એટલે કે માર્ચ 2022માં ડિમેન્ટ એકાઉન્ટની સંખ્યા 40.9 મિલિયન હતી. કોરોના મહામારીને કારણે લાદવામાં આવેલ લોકડાઉનમાં ઘરે બેઠા ઓનલાઈન કમાણીનું માધ્યમ બનેલ અને એલઆઇસીના પબ્લિક ઇસ્યૂ સહિત આઈપીઓ બજારના ધમધમાટને કારણે રિટેલ રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
કોરોના મહામારીની શરૂઆતમાં મસમોટા કડાકા બાદ ઝડપી રિકવરી અને શેરબજારની ત્યારબાદની એકતરફી ચાલમાં રિટર્ન વધારે મળતા રોકાણકારો ભારતીય દલાલ સ્ટ્રીટ સાથે જોડાવાનું વધુ પસંદ કરી રહ્યાં છે.
ગયા મહિના સુધી સૌથી મોટી ડિપોઝીટરી CDSL એકલા પાસે આશરે 7.25 કરોડ ડીમેટ એકાઉન્ટ્સ હતા.કુલ ડીમેટ ખાતાના આંકડાની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2022-23માં સતત વધારો નોંધાયો છે. એપ્રિલમાં ડીમેટ ખાતાની કુલ સંખ્યા 9.21 કરોડ હતી, જે મે મહિનામાં 9.48 કરોડ, જૂનમાં 9.65 કરોડ, જુલાઈમાં 9.83 કરોડ હતી. ડીમેટ ખાતાઓનો આ આંકડો ઓગસ્ટમાં પ્રથમ વખત વધીને 10.05 કરોડ થયો છે.
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NDSL)ના ડેટા અનુસાર ગયા મહિનામાં 22 લાખથી વધુ નવા એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. માર્ચ 2020માં ભારતના ડીમેટ ખાતાની સંખ્યા 4.09 કરોડ હતી. અઢી વર્ષમાં લગભગ 6 કરોડ લોકોએ ડીમેટ ખાતા ખોલાવ્યા હતા.વધુ એક રસપ્રદ આંકડો એ છે કે NSDLની કસ્ટડી વેલ્યુ એટલે કે NSDL પાસે ખોલાવેલા ડીમેટ એકાઉન્ટમાં રહેલ કુલ એસેટ વેલ્યુ એપ્રિલ, 2020માં 174 લાખ કરોડ રૂપિયાથી વધીને ઓગસ્ટ, 2022માં 320 લાખ કરોડ રૂપિયા થઈ છે.આ ઉપરાંત CDSL પાસે રહેલ 7.16 કરોડ ખાતામાં કુલ 38.5 લાખ કરોડની એસેટ અન્ડર કસ્ટડી છે.