રાજયમાં મેઘરાજાએ પોતાના આગમનની છડી પોકારી દીધી છે ત્યારે ગુજરાતમાં જૂનના બીજા કે ત્રીજા સપ્તાહમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. રાજયમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. નિસર્ગ વાવાઝોડાની અસર હેઠળ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો તેમાં અમદાવાદ પણ બાકાત નહોતું, અમદાવાદમાં બુધવારની રાત્રીએ શહેરના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડયો હતો.
હવામાન વિભાગના ડિરેકટર જયંત સરકારના જણાવ્યા મુજબ ચોમાસાની પેટર્ન ઉપર વાવાઝોડાની અસર નહીં થાય, અને ગુજરાતમાં ચોમાસાનું સમયસર જ આગમન થઈ જશે, એટલે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન જૂનના બીજા અને ત્રીજા સપ્તાહ સુધીમાં થઈ જશે. હાલમાં ચોમાસુ કર્ણાટકના દરિયા કિનારે પહોંચ્યુ છે, ચે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગે ડાંગ, નવસારી, દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાનું સતાવાર આગમન આગાહી મુજબ 15 જૂને થવાનું હતું. પરંતુ ચાલુ વર્ષે ગુજરાતમાં 21 જૂનથી સતાવાર ચોમાસાની શરૂઆત થશે એટલે કે ગુજરાતમાં જૂનના બીજા કે ત્રીજા સપ્તાહ સુધીમાં ચોમાસાનું આગમન થઈ જશે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજયમાં વાતાવરણ વાદળછાયુ રહેશે. જો સમયસર વરસાદ થશે તો વહેલી વાવણી કરનાર ખેડૂતોને ફાયદો થશે.