ગુજરાત સ્થિત ટોરેન્ટ ગ્રુપના પ્રમોટર મહેતા પરિવાર યુએન મહેતા ફાઉન્ડેશનને પાંચ વર્ષમાં રૂ.5,000 કરોડનું દાન કરશે. ગ્રૂપના સ્થાપક યુએન મહેતાની 100મી જન્મજયંતિ પ્રસંગે આ જાહેરાત કરાઈ હતી. ફાર્મા અને વીજળી સહિતના વિવિધ બિઝનેસમાં કાર્યરત ટોરેન્ટ ગ્રુપનું મૂલ્ય આશરે રૂ.37,600 કરોડ છે.
આ ભંડોળનો ઉપયોગ આરોગ્યસંભાળ, શિક્ષણ, ઇકોલોજી, સામાજિક સુખાકારી અને કલા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સામાજિક હેતુઓ માટે કરવામાં આવશે. ટોરેન્ટ ગ્રુપે શનિવારે અમદાવાદમાં એક કાર્યક્રમમાં યુએન મહેતાની જન્મશતાબ્દીની ઉજવણી કરી હતી.
આ યોગદાન ટોરેન્ટ ગ્રૂપની કંપનીઓના CSR યોગદાન ઉપરાંતનું છે. ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સમીર મહેતાએ જણાવ્યું હતું કે, યુએનએમ ફાઉન્ડેશન આ રકમનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરવાના નિષ્ઠાવાન પ્રયાસો કરશે.
શતાબ્દી ઉજવણીના કાર્યક્રમમાં યુએન મહેતાના જીવન પર બનેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘ધ પ્રિસ્ક્રિપ્શન’નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ગ્રુપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ ઉત્તમભાઈ એન મહેતાનો ધ્યેય હતો. તેઓ આ ધ્યેય સાથે જીવ્યા હતા. તેમનું જીવન આજદિન સુધી લોકોને પ્રેરણા આપતું રહે છે.
યુએન મહેતા ટોરેન્ટ ગ્રૂપના સ્થાપક હતાં. તેમનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. તેમને પ્રિસ્ક્રાઈબ્ડ કરવામાં આવેલી દવાઓના સેવનના કારણે 39 વર્ષની વયે માનસિક આરોગ્યની સમસ્યાઓ થઈ હતી. તેમની ઉંમર 53 વર્ષની હતી ત્યારે તેમને કેન્સર થયું હતું. જોકે આ પડકારો વચ્ચે પણ તેમણે હાર માની ન હતી. બિઝનેસ સ્થાપવાના પ્રથમ પ્રયાસમાં પણ તેઓ નિષ્ફળ ગયા હતા અને તેમને તેમના ગામ પાછા ફરવું પડ્યું હતું. જોકે 48 વર્ષની ઉંમરે તેમના બીજા પ્રયાસમાં તેઓ ફાર્માસ્યુટિકલ બિઝનેસ સ્થાપિત કરવામાં સફળ થયા છે. આજે ટોરેન્ટ ફાર્માની ગણના દેશની અગ્રણી ફાર્મા કંપનીઓમાં થાય છે.