135 species of migratory birds

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા વઢવાણાનું પક્ષી અભયારણ્ય અત્યારે વિદેશી પક્ષીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ૬૩૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ હજારો માઈલ દૂરથી ઉડીને આવતા અવનવા પક્ષીઓનું અનેરૂ અને સુરક્ષિત વિશ્વ છે. ૧૩૫ થી વધુ જાતિના વિવિધ પક્ષીઓની આ અલગ દુનિયામાં ૩૫ થી વધારે જાતિના તો પ્રવાસી (યાયાવર) પક્ષીઓનો સમાવેશ થાય છે.

આમ તો, અંદાજે ૧૦૦ વર્ષ પહેલા સિંચાઈના હેતુથી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ અત્યારે તો, એ પ્રવાસી પક્ષીઓ અને લોકો માટે પર્યટન સ્થળ બની ગયું છે. ડભોઇ શહેરના નાંદોદી દરવાજાથી સંખેડા તરફ જતા રસ્તા પર આસપાસના ખેતરોમાં જ અવનવા પક્ષીઓ અને તેનો કલરવ સાંભળવા મળે છે. અહીં નવેમ્બરથી માંડીને ફેબ્રુઆરી કે માર્ચ સુધી યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓનો મેળાવડો જામે છે. પક્ષીઓની બહુ બધી જાતિઓમાં અહીં શિયાળો વિતાવવા આવતા તમામ પક્ષીઓના નામ લખવા તો થોડું મુશ્કેલ છે. પરંતુ, અહીં બતક, હંસ, બગલા-બગલી અને ડૂબકીઓ સહિતના અલગ-અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે, જેમાં લાલ આંખ કારચિયા, સફેદ સુરખાબ, નાનો કલકલિયો, મોટો હંજ, નાની ડૂબકી, લુહાર સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે. હિમાલયનાં માનસરોવરથી રાજહંસોનું ટોળું, હિમાલયનાં સો-મોરીરીથી ભગવી સુરખાબ, આફ્રિકા અને સિંધ પ્રાંતમાંથી હંસોનું ટોળું, મધ્ય એશિયાનાં વિસ્તારોમાંથી ગુલાબી પેણ, સિંધ પ્રાંતમાંથી શિકારી પક્ષીઓ પણ અહીં આવીને તેમને ગમતું અને સુરક્ષિત વિશ્વ મેળવી લે છે. માત્ર ડિસેમ્બર મહિનામાં જ ૬૦ હજારથી વધારે પક્ષીઓએ પોતાના આ સુરક્ષિત વિશ્વમાં સમય વિતાવ્યો છે, તેના પરથી જ તેની વિવિધતા, જટિલતા અને સુંદરતાનો ખ્યાલ આવી જાય.

રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ, બાર હેડેડ ગીઝ, હેરિયર્સ, હવામાં કરતબો કરતું બ્લુ ટેઇલ્ડ બી ઇટર, પાણીમાં શિકાર કરતી લિટલ ગ્રેબ, તળાવ વચ્ચે લાકડાં પર બેસેલું સ્નેકબર્ડ ડાર્ટર, બોઇંગ વિમાનની જેમ પાણી પર ઉતરાણ કરતાં પેલિકન્સ, પાણીમાં ચાંચ ડૂબાડીને કોઈ તરતી સ્ટીમર માફક ટોળામાં ખોરાક શોધતા ફ્લેમિન્ગોઝ, ઊંચે આકાશમાંથી પાણીમાં છલાંગ લગાવીને એક જ ઝાટકે માછલી પકડીને ઊડતું ઓસ્પ્રે, સફેદ રૂ જેવું મુલાયમ કોટન પીગ્મી ગૂઝ, ઊડતાંવેંત જ સિસોટી મારતું લેસર વ્હીસલિંગ ડક વગેરે જેવાં વિવિધતમ સુંદર પક્ષીઓ જોવાથી તમારું મન જ નહીં ભરાય. અહીં ત્રણ વોચ ટાવર પણ છે, જેના પરથી પાણીમાં દૂર સુધી મહાલતાં પક્ષીઓની કરતબને શાંતિથી નિહાળી શકાય છે.

LEAVE A REPLY