The Labor Party is blatantly racist
(Photo by Leon Neal/Getty Images)

 બાર્ની ચૌધરી

લેબર  પાર્ટી “સંસ્થાકીય, માળખાકીય રીતે નખશિખ અને વ્યવસ્થિત રીતે રેસિસ્ટ” છે અને સાઉથ એશિયન મતદારો તો પોતાના ગજવામાં જ હોય તેવી રીતે વર્તતી હોવાનું  (ટેકન ફોર ગ્રાન્ટેડ) કાઉન્સિલરો અને પક્ષના સભ્યોએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું છે. હિંદુઓ અને મુસ્લિમોને આવતા અઠવાડિયે તા. 4 મેના રોજ થનારી સ્થાનિક ચૂંટણીઓમાં ઉભા રહેતા શા માટે અટકાવાયા છે તેની તપાસ કરવા રાષ્ટ્રીય સ્તરે લેબર લીડરશીપને વિનંતી કરાઈ છે.
લેબરની રાષ્ટ્રીય સંસ્થા NECએ લેસ્ટરમાં સેવા આપતા 18 સીટીંગ કાઉન્સિલરોને શહેરમાં ચૂંટણી લડતા અટકાવ્યા છે, જેમાંથી 10 હિંદુ કાઉન્સિલર છે. આનાથી લેબર આગામી સામાન્ય ચૂંટણીમાં દક્ષિણ એશિયનોના મત ગુમાવશે એવું ચર્ચાય છે.
નામ નહીં આપવા માંગતા એક લેબર સભ્યે કહ્યું હતું કે “આ અપમાનજનક અને સંપૂર્ણપણે રેસિસ્ટ છે. આ ઇન્સ્ટીટ્યુશનલ રેસિઝમ છે. અમે પેટાચૂંટણીમાં બે સ્થાનિક બેઠકો ગુમાવી હતી, જે સલામત લેબર બેઠકો હતી, પરંતુ અમે જાણીએ છીએ કે તેઓ એવા લોકોને ઇચ્છે છે જેઓ દરેક બાબતમાં ‘હા જી હા’ કરે. પસંદ નહિં કરાયેલા દરેક કાઉન્સિલરોને સિટી મેયર સર પીટર સોલ્સબી જે કરે છે તે પસંદ નહોતું.
તેઓ કંટ્રોલ ફ્રીક છે અને તેની વિરુદ્ધ જાય તેવા કોઈને તેઓ સહન કરતા નથી. પીટરે આ બધા માટે NECને દોષી ઠેરવી છે, પરંતુ અમે જાણીએ છીએ કે આ બધું તેમણે કર્યું છે કારણ કે તેઓ સંપૂર્ણ નિયંત્રણ ઇચ્છે છે.”
સૂત્રોએ અમને જણાવ્યું છે કે લેબર પાર્ટી “પક્ષની લાઇનને સ્પષ્ટપણે નહીં માનનાર” મુશ્કેલી સર્જનારાઓને જડમૂળથી ઉખેડી રહી છે.
‘ગરવી ગુજરાત’ માને છે કે લેસ્ટરના કાઉન્સિલરો શહેરની ચૂંટાયેલ મેયરલ સિસ્ટમમાંથી છૂટકારો મેળવવા અને પરંપરાગત સ્થાનિક સત્તાધિકારી લોકો નિર્ણય લઇ શકે તેવી રચનામાં પાછા ફરવા માગે છે. અમને કહેવાયુ છે કે પક્ષના વ્હિપ્સ અને મેયર સર પીટર સોલ્સ્બી બંનેએ બળવાખોરોને જો તેઓ બેવફાઇ કરશે તો તેમને પસંદ નહિં કરાય તેવી ધમકી આપી હતી.
નાપસંદ કરાયેલા એક પૂર્વ કાઉન્સિલર રૂમા અલીએ જણાવ્યું હતું કે, ‘’સોલ્સબીએ મને ઓફિસમાં બોલાવી હતી જ્યાં મેં સ્પષ્ટ કર્યું હતું કે બળવાખોર નથી. સોલ્સબીએ મને વચન આપ્યું હતું કે મને પસંદ કરાઇ છે, તેમ છતાં મને ડમ્પ કરવામાં આવી હતી. આ એક ભ્રષ્ટ સિસ્ટમ છે. અમે મતદાનના દિવસે જોઈશું કે લેબરે કેટલું નુકસાન કર્યું છે, હું મારી આખી જીંદગી લેબરની ટેકેદાર રહી છું, તેમને વફાદાર કે સારા લોકોનું કોઈ મૂલ્ય નથી. લોકો માનતા નથી કે મને નાપસંદ કરવામાં આવી છે. શું તેઓ ઈચ્છતા નથી કે તમે આગળ વધો? તેઓ તમને એક સ્તર પર રાખવા માંગે છે. જોબ યોગ્યતા અને મહેનતના આધારે આપવી જોઈએ, એટલા માટે નહીં કે તમે શ્વેત છો.”
‘ગરવી ગુજરાત’એ જોયેલા એક ઇમેઇલમાં સ્થાનિક ચૂંટણીમાં ઉભા રહેલા એક કાઉન્સિલર, ગુરિન્દર સિંઘ સંધુએ પોલીસ તપાસની માંગણી સાથે કાઉન્સિલના હેડ ઓફ સ્ટાન્ડર્ડને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે “હું કાનૂની નિષ્ણાત નથી, પરંતુ એવું લાગે છે કે 9મી માર્ચ 2023ના રોજ વર્તમાન મેયરલ સિસ્ટમને જાળવી રાખવા માટે લાંચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું માનું છું કે પોલીસે આ દાવાઓની તપાસ કરવી જોઈએ.”
લેબર NECએ આ અગાઉ નવેમ્બર 2021માં વેસ્ટ મિડલેન્ડ્સમાં સેન્ડવેલના ચાર સાઉથ એશિયન કાઉન્સિલરોને લેબર હેઠળ લડતા અટકાવ્યા હતા. ઇસ્ટ મિડલેન્ડ્સમાં 40 વર્ષથી પાર્ટીની સેવા કરનાર મુસ્લિમ કાઉન્સિલર હસન અહેમદે પાર્ટીને બદનામ કરવાના આરોપસર સસ્પેન્ડ થયા પછી લેબર સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને આરોપને સખત રીતે નકારી કાઢ્યો હતો.
અહેમદે કહ્યું હતું કે ‘’હું લેબર પ્રત્યે વફાદાર રહીશ પણ પક્ષ રેસીસ્ટ છે તે બાબતે નહિ. હું ખૂબ જ દુઃખી છું. હું હંમેશા પક્ષની અંદર રહીને લડ્યો છું. પરંતુ મારી હકાલપટ્ટી પછી જ હું જાહેરમાં ગયો છું. હું રાષ્ટ્રીય લેબર પાર્ટીમાંથી કોઈની ટીકા કરતો નથી, હું સ્થાનિક રીતે વાત કરું છું અને હું મારી સાથે થતા અન્યાય સામે લડી રહ્યો છું. લેબર પાર્ટીમાં જોડાતા નવા લોકોને અમે કહીએ છીએ કે આ એકમાત્ર પાર્ટી છે જે સમાવેશીતા, સામાજિક ન્યાય અને સમાનતા માટે લડવાનો અને વિશ્વાસ કરવાનો દાવો કરે છે. તે અમારા તમામ મેનિફેસ્ટોની પ્રતિબદ્ધતાઓમાં છે. પરંતુ જો આપણે આ પ્રકારના સિદ્ધાંતો અને મૂલ્યોની વિરુદ્ધ જઈશું, તો આપણે બોલવું પડશે.”
કાઉન્સિલર અહેમદને 1995માં સસ્પેન્ડ કરાયા ત્યારે તેમણે કાનૂની કાર્યવાહી કરી હતી. બે વર્ષ પછી, લેબરે તેમને પુનઃસ્થાપિત કરી કોર્ટ ખર્ચની ચૂકવણી કરી હતી.
તેમણે કહ્યું હતું કે “હું કોઈ એવી વ્યક્તિ નથી જે પાર્ટીની શિસ્ત તોડે કે પાર્ટીને ચૂંટણી હારતી જોવા માંગે છે. હું હંમેશા લેબર માટે લડ્યો છું અને લડીશ. લોકો ફરિયાદો સાથે આવે ત્યારે પક્ષે કાળજીપૂર્વક વિચારવાની જરૂર છે કે તેની પાછળનો હેતુ શું છે. તેમણે મારા કેસને જોવો જોઈએ, તે પક્ષના નેતૃત્વની ફરજ છે.”
નોટિંગહામમાં, સૂત્રોનું માનવું છે કે કાઉન્સિલર અહેમદના સસ્પેન્શનનું કારણ બીજું છે. એક કાઉન્સિલરે જણાવ્યું હતું કે, “તેમને કાઉન્સિલના આગામી નેતા તરીકે ઓળખવામાં આવી રહ્યા હતા. તેઓ નેતૃત્વની ટીકા કરતા હતા. પણ નેતાઓ ચાર્જમાં એશિયનને ઇચ્છતા નથી. શું તે રાષ્ટ્રીય સ્તરે લેબર માટે યોગ્ય છે, ના નથી? તમને આગળની બેન્ચ પર સાઉથ એશિયાના ઘણા લોકો દેખાતા નથી?’’
અનામી રહેવા માંગતા નોટિંગહામના કેટલાક કાઉન્સિલરોએ અમને જણાવ્યું હતું કે ‘’નેતૃત્વ સ્તરે કાઉન્સિલમાં અમે જે સેવા આપીએ છીએ તે શહેરનું પ્રતિનિધિત્વ નથી અને શ્વેત સભ્યોને મુસ્લિમ નેતા જોઈતા નથી. મને એક કાઉન્સિલર તરફથી મળેલા વોટ્સએપ સંદેશમાં એકે એશિયન કલીગને સ્લેગ કર્યા હતા. તે મેસેજ ખરેખર અધમ અને જાતિવાદી હતો, પરંતુ જો હું તેની જાણ કરૂ તો હું મુશ્કેલીમાં આવીશ, તેથી હું મારું મોં બંધ રાખુ છું. હું કંઈ કહેવાનો નથી કારણ કે તેઓ બધા તે વ્યક્તિની આસપાસ ભેગા થઇને તેને ‘મશ્કરી’ તરીકે બ્રશ કરશે. તો તેનો અર્થ શું છે?”
લેબર પર “ભાગલા પાડો અને રાજ કરો”ની વસાહતી યુક્તિઓનો આરોપ મૂકતા લેસ્ટરના એશિયન લેબર મેમ્બરે કહ્યું હતું કે “ભારત સ્વતંત્ર થયું ત્યારે બ્રિટિશ લોકોએ ભારત અને પાકિસ્તાન બનાવવા માટે મુસ્લિમોને હિંદુઓ તથા શીખો સામે લડાવ્યા હતા?  અહીં એવું જ થઈ રહ્યું છે. તેમણે તમામ હિંદુઓથી છૂટકારો મેળવ્યો છે, અને ગયા સમરમાં જે વિક્ષેપ થયો તે લેસ્ટર માટે સારું નથી. અમે ફરીથી સુમેળભર્યા બનવાના હતા, પરંતુ આ તમામ રાજકીય ભાગલા અને નિયમો અહીં બાબતોને તંગ બનાવે છે.”
નોટિંગહામના એક કાઉન્સિલરે જણાવ્યું હતું કે, ” સર કેર સ્ટાર્મર ડાબેથી પક્ષના નિયંત્રણ માટે લડી રહ્યા છે અને અમુક લોકો જેરેમી [કોર્બીન] ને હાંકી કાઢ્યા તેને ખોટું માને છે. તેમને દરેક મિત્રની જરૂર હતી કારણ કે ઇંગ્લેન્ડમાં એવી ઘણી જગ્યાઓ હશે જે એશિયન મત પર આધાર રાખે છે. લેસ્ટરમાં જ્યારે લેબરે કીથ વાઝને બદલવા માટે ક્લાઉડિયા વેબને થોપ્યા ત્યારે તેના મત ઓછા થયા હતા. ઘણા બધા કાઉન્સિલર્સને પડતા મૂકવાથી અને પક્ષપલટાના કારણે તમે શરત લગાવી શકો છો કે આવતા અઠવાડિયે અમે ઘણી બેઠકો ગુમાવીશું.”
ગરવી ગુજરાતે આ અગાઉ અહેવાલ આપ્યો હતો કે યુકેમાં રાજકારણ સાઉથ એશિયમ રાષ્ટ્રીયતાના આધારે વિભાજિત થઈ ગયું છે. લેબરે હજુ પણ 2021ની બાટલી એન્ડ સ્પેનની ચૂંટણીમાં પાકિસ્તાની મત માંગવા બદલ માફી માંગવાનો ઇનકાર કર્યો છે. તે વખતે કેટલાક લેબર સાંસદોએ બોરિસ જૉન્સન નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવે છે તે ફોટો વાપરીને કહ્યું હતું કે “તમારા પક્ષમાં ન હોય તેવી ટોરીને જોખમ ન આપો”.
લેસ્ટરના લેબર મેમ્બરે કહ્યું હતું કે “લેબરે ઘણા ભારતીયોને વિમુખ કરતા તેઓ ટોરીમાં ભળી ગયા છે. લાગે કે તેઓ પાઠ શીખ્યા હશે, પરંતુ તેઓ એ જ ભૂલો કરવાનું ચાલુ રાખે છે. જાતિવાદી મનાતી ટોરીએ હવે એશિયનોને સરકારમાં ટોચના પદ આપ્યા છે અને આપણામાંથી એકને વડા પ્રધાન બનાવ્યા છે. જેની સામે અમે શું કરી રહ્યા છીએ? બધા મોટા પદ શ્વેત સાંસદો પાસે છે, અને આ યુગમાં તે યોગ્ય નથી. અમારા માતા-પિતા અને દાદા દાદીને કહેવાયું હતું કે લેબર એ એશિયન ઇમિગ્રન્ટ્સ માટેનો પક્ષ છે, અને તેમના મોટા ભાગના વચનોની જેમ તે બધા જૂઠાણા હતા. કારણ કે તેઓ અમારા મતને ગ્રાન્ટેડ કરે છે અને બદલામાં અમને દગો આપે છે. અમે લેબર લીડરશીપ, ઈસ્ટ મિડલેન્ડ પ્રાદેશિક પક્ષ અને લેસ્ટર સિટી કાઉન્સિલ સમક્ષ પ્રશ્નો મૂક્યા હતા પરંતુ તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.’’

LEAVE A REPLY