લંડનમાં કોહિનૂર હીરાને મે મહિનામાં ટાવર ઓફ લંડનમાં યોજાનારા પ્રદર્શનમાં વિજયના પ્રતીક તરીકે પ્રદર્શિત કરાશે. બ્રિટનમાં રાજવી મહેલોનું સંચાલન કરનાર હિસ્ટોરિક રોયલ પેલેસિસ (એચઆરપી) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ નવા પ્રદર્શનમાં કોહિનૂરના ઇતિહાસ અંગે તમામ પ્રકારની માહિતી મળશે. આ હીરો સ્વ. રાણી એલિઝાબેથ દ્વિતીયનાં તાજની અંદર સચવાયેલો છે. કેમિલાએ છઠ્ઠી મેના રોજ જ્યારે કિંગ ચાર્લ્સ દ્વિતીયનો રાજયાભિષેક થાય ત્યારે આ પરંપરાગત તાજ ન પહેરવાનો નિર્ણય કર્યો છે.
એચઆરપી દ્વારા જણાવાયું હતું કે, આ હીરો કઈ રીતે જીતવામાં આવ્યો તે પણ જાણવા મળશે, જેમાં એમના અગાઉના માલિકો જેમાં મુગલ સમ્રાટો, ઈરાનના શાહ, અફઘાનિસ્તાનના અમીરો અને સિખ મહારાજા વિશે જણાવવામાં આવશે. કોહિનૂરનો ફારસી ભાષામાં અર્થ થાય છે પ્રકાશનો પર્વત. જેને મહારાજા રણજિત સિંહની તિજોરીમાંથી મહારાણી વિક્ટોરિયાના કબજામાં લેવામાં આવ્યો હતો. ટાવર ઓફ લંડન અને જ્વેલ ઓફ હાઉસના સંચાલકના અભિપ્રાય મુજબ કોહિનૂરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવશે. નવા પ્રદર્શનનો પ્રારંભ કિંગ ચાર્લ્સ અને રાણી કેમિલાના રાજ્યાભિષેકનાં થોડાં અઠવાડિયા પછી થશે. ધ ક્રાઉન જ્વેલ્સ એ બ્રિટનની રાજાશાહીનું સૌથી શક્તિશાળી પ્રતીક છે.