સુરેશ વરસાણીએ કહ્યું હતું કે ‘’યુકેમાં લગભગ 30 સ્ક્રીન પર ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ રિલીઝ કરાયા બાદ યુકેમાં ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં £150,000ની અપેક્ષા સામે માત્ર £71,000ની કમાણી કરી છે. જો ધમકીઓ ન મળી હોત તો હું નોર્થમાં ઘણી વધુ સ્ક્રીનો પર ફિલ્મ દર્શાવી હોત. સામાન્ય રીતે તે 60થી 70 સ્ક્રીન્સ પર રિલીઝ થાય છે. આ પ્રતિબંધોને કારણે હું આ ફિલ્મમાં કમાણી કરીશ નહીં. આ મૂવીને કાશ્મીર અથવા કોઈપણ રાજકીય પક્ષ સાથે કોઈ લેવાદેવા નથી. આ ફિલ્મ એ છોકરીઓ બાબતે છે અને તેમની સાથે શું થાય છે તે બતાવાયું છે.”
બીજા અઠવાડિયે આ ફિલ્મ કુલ 23 સ્ક્રીન પર બતાવાશે અને કાર્ડિફ જેવા વિસ્તારોમાં સિનેવર્લ્ડ દ્વારા અસર થવાની શક્યતા ન હોય તેવા વિસ્તારોમાં સ્ક્રીનો વધારવામાં આવશે.
ફિલ્મ નિર્માતા સુદીપ્તો સેન દ્વારા નિર્મિત અને અદાહ શર્મા દ્વારા અભિનીત તથા ટોચ પર પહોંચેલી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ 5 મે, 2023ના રોજ યુકે, ભારત સહિત વિશ્વના કેટલાય દેશોના સિનેમાઘરોમાં રજૂ થતાની સાથે જ હેડલાઇન્સ હિટ રહી છે. ભારતના ઘણા રાજ્યો અને રાજકીય નેતાઓના વિરોધનો સામનો કરવા છતાં ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે. પરિણામે, તે ફિલ્મ સ્થાનિક બોક્સ ઓફિસ પર £20 મિલિયન ક્લબને પાર કરવામાં સફળ રહી છે અને આગામી દિવસોમાં તે £25 મિલિયનના આંકને સ્પર્શે તેવી અપેક્ષા છે.
ફિલ્મની વાર્તા કેરાલાની એક હિંદુ મહિલાની આસપાસ ફરે છે, જેને અદા શર્મા દ્વારા ભજવવામાં આવી છે અને તેને ઇસ્લામ ધર્મ સ્વીકારવા અને સીરિયા જવા માટે બ્રેઈનવોશ કરવામાં આવે છે.