કેરળમાં હિન્દુ યુવતીઓને મુસ્લિમ બનાવીને તેમને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટમાં સામેલ કરવામાં આવતી હોવાનું દર્શાવતી ફિલ્મ “ધ કેરળ સ્ટોરી”ના મુદ્દે ભારતમાં જોરદાર રાજકારણ રમાઈ રહ્યું છે. સત્તાધારી ભાજપ આ ફિલ્મને સમર્થન આપી રહ્યો છે, જ્યારે કથિત બિનસાંપ્રદાયિક પક્ષો તેનો વિરોધ કરી રહ્યાં છે. મમતા બેનરજીની પશ્ચિમ બંગાળ સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે, જ્યારે તમિલનાડુમાં આ ફિલ્મ દર્શાવવામાં આવી રહી નથી. બીજી તરફ ભાજપ શાસિત મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ ફિલ્મને ટેક્સફ્રી કરી છે.
બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે વિવાદાસ્પદ ફિલ્મ “ધ કેરળ સ્ટોરી” પર રાજ્યમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. ભાજપ “કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની જેમ બંગાળ પર એક ફિલ્મ માટે ભંડોળ પૂરું પાડે છે. તેઓએ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ શા માટે બનાવી? એક વર્ગને અપમાનિત કરવા માટે આ ફિલ્મ બનાવી હતી.
બીજી તરફ દિલ્હીમાં ફિલ્મ જોયા બાદ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે બંગાળ ફિલ્મ પર પ્રતિબંધ મૂકીને “ખોટું” કરી રહ્યું છે. “શું તેઓ કોઈને પણ સત્ય બોલવા દેવા નથી માંગતા? તમે (મમતા બેનર્જી) આતંકવાદી સંગઠનો સાથે ઉભા રહીને શું મેળવશો?”
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી તે વિવાદમાં આવી હતી. ટ્રેલરમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેરળમાં 32,000 મહિલાઓનું ધર્માંતરણ કરીને ISISમાં સામેલ કરવામાં આવી છે. કેરળના શાસક સીપીએમ અને વિરોધ પક્ષ કોંગ્રેસે ફિલ્મ નિર્માતાઓ પર ઇરાદાપૂર્વકની અતિશયોક્તિ અને “છુપા એજન્ડા” માટે કામ કરવાનો આરોપ મૂક્યો હતો.
કર્ણાટકની ચૂંટણીસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મને સમર્થન આપતા કહ્યું હતું કે તે આતંકવાદનું કદરૂપું સત્ય બતાવે છે અને આતંકવાદીઓના ષડયંત્રોને ઉજાગર કરે છે. કોંગ્રેસે વોટ બેંક માટે આતંકવાદને રક્ષણ આપ્યું છે.
મધ્યપ્રદેશે ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે આ ફિલ્મ લવ જેહાદ, ધર્મ પરિવર્તન અને આતંકવાદના ષડયંત્રનો પર્દાફાશ કરે છે. દિલ્હી ભાજપે આ ફિલ્મને રાષ્ટ્રીય રાજધાનીમાં પણ કરમુક્ત બનાવવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ અને અનેક હાઈકોર્ટે અગાઉ ફિલ્મની રિલીઝ અને સ્ક્રીનિંગમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.