ઇસ્લામિક આતંકવાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાની કથા સાથે વિશ્વભરમાં બહુચર્ચીત બનેલી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ બર્મિંગહામમાં બ્રોડ સ્ટ્રીટમાં સિનેવર્લ્ડ સિનેમાહોલમાં દર્શાવાતી હતી ત્યારે તા. 20ના રોજ શુક્રવારે બર્મિંગહામના કેટલાક મુસ્લિમ કાર્યકરોએ ફિલ્મ ઇસ્લામોફોબિયા ફેલાવી રહી હોવાનો આક્ષેપ કરી થિયેટરમાં બરાડા પાડી ફિલ્મના સ્ક્રીનીંગમાં વિક્ષેપ પાડતા યુકેભરમાં વ્યાપક રોષ ફેલાયો હતો.
બ્રિટિશ મુસ્લિમ ન્યૂઝ વેબસાઈટ ‘5પિલર્સ’ પર અપલોડ કરાયેલી 10 મિનિટની ક્લિપમાં ભારત અને હિન્દુ વિરોધી પૂર્વગ્રહ માટે જાણીતા બનેલા કાશ્મીરી ઇન્ડીપેન્ડન્ટ એક્ટીવીસ્ટ અને પ્રોપર્ટી ડેવલપર શકીલ અફસરને સાથી પ્રદર્શનકારીઓના જૂથ સાથે સિનેવર્લ્ડ થિયેટરમાં ઘૂસીને વિક્ષેપ ઊભો કરી અને ફિલ્મનું સ્ક્રીનિંગ અટકાવતો દર્શાવવામાં આવ્યો હતો.
સોસ્યલ મિડીયા પર વ્યાપક બનેલી આ ક્લિપમાં, શકીલ અફસર અને ઓછામાં ઓછા બે અન્ય લોકો સિનેમા મેનેજર સાથે ફિલ્મ ‘ઈસ્લામોફોબિક’ હોવા વિશે અને નરેન્દ્ર મોદી, આરએસએસ અને બીજેપી આ દેશમાં કોમી વેમન્સ્ય ફેલાવતા હોવાનો આક્ષેપ કરી ફિલ્મમાં અવરોધ ઉભો કરતા દેખાઇ રહ્યા છે. એક્ટિવિસ્ટ શકીલ અફસરે આક્ષેપ કર્યો હતો કે ‘’આ મહિનાની શરૂઆતમાં રિલીઝ થયેલી વિવાદાસ્પદ ફિલ્મ ‘ઈસ્લામોફોબિક’ છે અને ફિલ્મે ભારતમાં હિંસક અથડામણો શરૂ થઇ છે. આ ફિલ્મ જૂઠ છે, અમે તેને મંજૂરી આપીશું નહીં.’’ આખરે અફસરને સિનેમાની બહાર લઈ જવાયો ત્યારે તેમણે ‘ફ્રી કાશ્મીર’ના નારા લગાવ્યા હતા.
આ વિક્ષેપને પગલે સિનેવર્લ્ડના સ્ટાફને ફિલ્મનું સ્ક્રિનિંગ થોભાવવાની ફરજ પડી હતી. જેને કારણે ફિલ્મ જોવા આવેલા અન્ય પ્રેક્ષકોએ શકીલ અને અન્ય ઇસ્લામિક એક્ટીવીસ્ટને થિયેટર છોડવાનું કહેતા વિડીયોમાં જોવા મળ્યા હતા.
ફિલ્મની વાર્તા કેરાલાની એક હિંદુ મહિલાની આસપાસ ફરે છે, જેને અદા શર્મા દ્વારા ભજવવામાં આવી છે અને તેને ઇસ્લામ ધર્મ સ્વીકારવા અને સીરિયા જવા માટે બ્રેઈનવોશ કરવામાં આવે છે.
સિનેવર્લ્ડે જણાવ્યું હતું કે ‘સંક્ષિપ્ત વિક્ષેપ’ને પગલે તેના સ્ટાફે ‘ઘટના બાબતે ઝડપથી પગલા લઇને ‘ન્યૂનતમ વિલંબ’ પછી ફિલ્મ પછીથી ફરી શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મુસિલમ એંગેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ નામના એક એડવોકસી ગૃપે પોતાના સમર્થકોને ફિલ્મના સ્ક્રીનિંગને રદ કરવા માટે સિનેમાઘરોને લોબી કરવા પ્રોત્સાહિત કર્યા હતા, અને દાવો કર્યો હતો કે તે ફિલ્મ ‘ઇસ્લામોફોબિક તણાવ અને વિભાજનને ઉત્તેજન આપશે’.
આવા બુલિઇંગની યુક્તિઓ કદાચ સફળ થઈ રહી છે તે વિચારવું પણ અસ્વસ્થ છે. અફસરે ગયા વર્ષે મુહમ્મદ પયગંબર સાહેબની પુત્રીઓ પૈકીની એક ફાતિમા વિશેની ફિલ્મ ‘ધ લેડી ઓફ હેવન’ને સિનેમાઘરોમાંથી હટાવવાની ઝુંબેશનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. તે વખતે બ્રેડફર્ડ, બોલ્ટન અને બર્મિંગહામમાં સેંકડો લોકોએ વિરોધ કર્યો હતો. જેને પગલે ફિલ્મને સિનેમાઘરોમાંથી ઝડપથી પાછી ખેંચી લેવામાં આવી હતી.
લેંકાશાયર સિનેમા ચેઇને જાહેરાત કરી છે કે તે વિવાદાસ્પદ ભારતીય મૂવી ધ કેરાલા સ્ટોરી બતાવશે નહિં. પ્રમોશનલ પોસ્ટરમાં બ્લેકબર્ન અને બર્નલીમાં REEL સિનેમા ખાતે આ ફિલ્મ બતાવવામાં આવશે તેમ જણાવાયું હતું. જો કે, REEL સિનેમાએ પુષ્ટિ કરી હતી કે તેની ફિલ્મ બતાવવાની કોઈ યોજના નથી.
ખરેખર તો તમામ પક્ષોના નેતાઓ, સરકારના મિનિસ્ટર્સ અને વરિષ્ઠ રાજનેતાઓએ મૂળભૂત મૂલ્યો માટે આગળ આવીને પગલા લેવાની જરૂર છે. લોકો તેમના સ્થાનિક સિનેમામાં શું જોવા માગે છે તે પસંદ કરવા માટે જનતા સ્વતંત્ર હોવી જોઈએ. પોતાની ધાર્મિક માન્યતાઓ અને એજન્ડા ધરાવતા લોકોની માંગણીઓ અને ઇચ્છાઓને કોઇ પર થોપી શકાય નહિં.
ફિલ્મ નિર્માતા સુદીપ્તો સેન દ્વારા નિર્મિત અને અદાહ શર્મા દ્વારા અભિનીત તથા ટોચ પર પહોંચેલી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ 5 મે, 2023ના રોજ યુકે, ભારત સહિત વિશ્વના કેટલાય દેશોના સિનેમાઘરોમાં રજૂ થતાની સાથે જ હેડલાઇન્સ હિટ રહી છે. ભારતના ઘણા રાજ્યો અને રાજકીય નેતાઓના વિરોધનો સામનો કરવા છતાં ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે. પરિણામે, તે ફિલ્મ સ્થાનિક બોક્સ ઓફિસ પર £20 મિલિયન ક્લબને પાર કરવામાં સફળ રહી છે અને આગામી દિવસોમાં તે £25 મિલિયનના આંકને સ્પર્શે તેવી અપેક્ષા છે.