ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ અંગે ઈઝરાયેલી ફિલ્મમેકર અને જ્યૂરી હેડ નાદવ લેપિડના એક નિવેદનના કારણે મોટો વિવાદ ઊભો થયો હતો. તેમણે ગોવામાં આયોજિત 53માં ફિલ્મ ફેસ્ટિવલ સમારોહમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ‘વલ્ગર પ્રોપેગેન્ડા’ ગણાવી છે.
લેપિડે ગઈકાલે કહ્યું હતું કે ફેસ્ટિવલમાં આ ફિલ્મના સ્ક્રીનિંગ વખતે જ્યુરી “વ્યગ્ર બન્યા હતા અને આઘાત લાગ્યો” હતો. તેમણે જણાવ્યું હતું કે “અમને આવા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલના કલાત્મક, સ્પર્ધાત્મક વિભાગ માટે તે અયોગ્ય પ્રોપેગેન્ડા મૂવી લાગી હતી. અહીં સ્ટેજ પર તમારી સાથે આ લાગણીઓ ખુલ્લી રીતે શેર કરવામાં મને સંપૂર્ણપણે આરામદાયક લાગે છે. કારણ કે ફેસ્ટિવલ ઉજવવાની ભાવના આલોચનાત્મક ચર્ચાનો પણ સ્વીકાર કરે છે, જે કલા અને જીવન માટે જરૂરી છે.”
આ નિવેદનથી વિવાદ વકરતા ગોવામાં 53મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરી બોર્ડે તેના વડાની ટિપ્પણીથી પોતાને અલગ કર્યું હતું અને આ નિવેદનને “સંપૂર્ણપણે તેમનો અંગત અભિપ્રાય” ગણાવ્યો હતો.
વિવેક અગ્નિહોત્રી દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત ધ કાશ્મીર ફાઇલ્સ 90ના દાયકામાં આતંકવાદની ચરમસીમા પર ખીણમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત છે. બીજેપી નેતાઓ દ્વારા પ્રમોટ કરાયેલી આ ફિલ્મ સફળ રહી હતી, પરંતુ તેને સાંપ્રદાયિક લાગણીઓને વેગ આપવાના આરોપોનો સામનો કરવો પડ્યો હતો.
કેટલાક લોકોએ લેપિડની વખાણ કર્યા હતા, જ્યારે અન્ય લોકોએ તેમના પર હોલોકોસ્ટની ભયાનકતાનો સામનો કરનાર સમુદાયનો ભાગ હોવા છતાં કાશ્મીરી પંડિતોની વેદના પ્રત્યે અસંવેદનશીલ હોવાનો આરોપ મૂક્યો છે.
લેપિડના આ નિવેદનની ભારત ખાતેના ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોનીએ પણ આકરી ટીકા કરી હતી. તેમણે ટ્વીટર પર જણાવ્યું હતું કે લેપિડને “શરમ આવવી જોઈએ”. તમને જ્યુરીની પેનલની અધ્યક્ષતા માટેના ભારતીય આમંત્રણનો તેમજ તેઓએ તમારા પર મૂકેલા વિશ્વાસ, આદર અને ઉષ્માભર્યા આતિથ્યનો સૌથી ખરાબ રીતે દુરુપયોગ કર્યો છે.”
રાજદૂતે જણાવ્યું હતું કે હું કોઈ ફિલ્મ નિષ્ણાત નથી, પરંતુ હું જાણું છું કે ઐતિહાસિક ઘટનાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા પહેલા તેના વિશે વાત કરવી અસંવેદનશીલ અને અહંકારી છે. આ ઘટના ભારત માટે એક ખુલ્લો ઘા છે. કારણ કે તેના પીડિતો હજુ પણ આપણી આસપાસ છે અને હજુ પણ કિંમત ચૂકવી રહ્યા છે.
અભિનેતા અનુપમ ખેરે ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લેપિડના નિવેદન પર તીખી પ્રતિક્રિયા ડાયરેક્ટરના નિવેદનને શરમજનક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, તે પૂર્વયોજિત લાગે છે, કારણ કે, ત્યારબાદ ટૂલ કીટ ગેંગ સક્રિય થઈ ગઈ છે. નાદેવ લેપિડના નિવેદન બાદ એક પછી એક સેલિબ્રિટીઝની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.