અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીક્યોરિટીએ (ડીએચએસ) પ્રસિદ્ધ કરેલા ડેટા અનુસાર અમેરિકામાં આશ્રય ઇચ્છતા ભારતીય લોકોની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન નાટકીય રીતે વધારો નોંધાયો છે. 2021ના વર્ષમાં ભારતીય સમુદાયના લોકોની આશ્રયની અરજીની સંખ્યા 4,330 હતી જે 2023માં વધીને 855 ટકા વધારા સાથે 41,330 પર પહોંચી ગઇ હતી. ભારતીય અધિકારીઓએ સંકેત આપ્યા હતા કે આ પૈકીની અડધો અડધ અરજીઓ ગુજરાતીઓની છે.
2023માં ભારતીય સમુદાયના લોકો અમેરિકામાં સંરક્ષણાત્મક આશ્રય મેળવવા માટેની અરજી કરનાર પાંચમો સૌથી મોટો વિદેશી સમુદાય બન્યા હતા જ્યારે સકારાત્મક આશ્રય માટે અરજી કરનાર સાતમો સૌથી મોટો વિદેશી સમુહ હતા. ડીએચએસના 2023ના એસાઇલીસ એન્યુઅલ ફ્લો રીપોર્ટમાં જણાવ્યા અનુસાર તે વર્ષે અમેરિકાએ 5,340 લોકોને આશ્રય આપ્યો હતો. રીપોર્ટ ગત ઓક્ટોબરમાં પ્રસિદ્ધ કરાયો હતો.
આશ્રયની અરજીઓમાં વધારાની શરૂઆત 2021માં થઇ હતી જ્યારે 4,330 અરજીઓ મળી હતી તે પૈકી 2,090 અરજીઓ સકારાત્મક આશ્રય માટેની અને 2,240 અરજીઓ સંરક્ષણાત્કમ આશ્રય માટેની હતી. 2022માં અરજીઓની સંખ્યા લગભગ ત્રણ ગણી વધી હતી અને તે સંખ્યા 14,570 પર પહોંચી ગઇ હતી જેમાંથી 5,370 સકારાત્મક આશ્રય જ્યારે 9,200 અરજીઓ સંરક્ષણાત્મક આશ્રય માટેની હતી. 2023 સુધીમાં આવી આશ્રયની માગ કરતી અરજીઓની સંખ્યા વધીને 41,330 સુધી પહોં ચી ગઇ હતી. જે તેના અગાઉના વર્ષની સંખ્યા કરતા લગભગ ત્રણ ગણી વધારે હતી.
આશ્રય મંજુર કરવાની સંખ્યામાં પણ વધારો થયો છે. વર્ષ 2021માં 1,330 ભારતીયોને આશ્રય અપાયો હતો, જેમાંથી 700 એફર્મેટીવ અને 630 અરજી સંરક્ષણાત્મક આશ્રય માટેની હતી. આ આંકડો 2022માં વધીને ત્રણ ગણો થયો હતો, 4,260 ભારતીયોને આશ્રય મંજુર કરાયો હતો, તેમાં 2,180 એફર્મેટીવ અને 2,080 ડીફેન્સીવ એસાઇલમના કેસ હતા. 2023માં 5,349 ભારતીયોને અમેરિકામાં આશ્રય અપાયો હતો જે પૈકી 2સ710 એફર્મેટીવ અને 2,630 ડિફેન્સીવ એસાઇલ મના કેસ હતા.