જાણીતા ફિલ્મકાર કરણ જોહર ફરીથી રોમેન્ટિક કોમેડી ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મનું નામ ‘નાદાનિયા’ છે અને તેમાં મુખ્ય ભૂમિકા માટે સ્ટાર કિડ્સની પસંદગી કરવામાં આવી છે.
સૈફ અલી ખાન અને અમૃતા સિંઘનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન તથા બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી ખુશી કપૂરની મુખ્ય ભૂમિકા માટે પસંદગી કરવામાં આવી છે. ઈબ્રાહિમે થોડા સમય પહેલા ‘સરઝમીન’ ફિલ્મ સાઇન કરી હતી. આ ફિલ્મની રિલીઝ પહેલાં જ તેને વધુ એક ફિલ્મ મળી ગઇ છે.
કરણ જોહરની આ ફિલ્મને થીયેટરમાં રિલીઝ કરવામાં નહીં આવે. કરણે બોક્સઓફિસ પર નુકસાનનું જોખમ લેવાના બદલે તેને સીધી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે શૌના ગૌતમ શરૂઆત કરી રહ્યા છે.
કરણે સોશિયલ મીડિયા પોસ્ટમાં થોડા સમય પહેલા શૌનાને અભિનંદન આપ્યા હતા, પરંતુ પ્રોજેક્ટનું નામ જણાવ્યું ન હતું. ખુશી અને ઈબ્રાહિમના નામ નક્કી થતાં તેનું નામ જાહેર થયું છે. શૌના અને ઈબ્રાહિમ અલી ખાને અગાઉ કરણ જોહર સાથે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં’ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. ઈબ્રાહિમ અલી ખાન ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘સરઝમીન’થી બોલીવૂડમાં પદાર્પણ કરી રહ્યો છે. આ ફિલ્મમાં કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વની ભૂમિકામાં છે.