પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ચૂંટણી લડવા પર ચૂંટણી પંચે મૂકેલા પાંચ વર્ષના પ્રતિબંધને ઈસ્લામાબાદ હાઈકોર્ટે ફેરવી તોળ્યો હતો અને પીટીઆઈ વડાને મોટી રાહત આપી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC)ના ચીફ જસ્ટિસ અતહર મિનલ્લાહે કહ્યું હતું કે પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનને ભવિષ્યમાં ચૂંટણી લડતા રોકવામાં આવ્યા નથી. ભૂતપૂર્વ વડાપ્રધાનને 30 ઓક્ટોબરે યોજાનારી NA-45 (કુર્રમ-1) પેટાચૂંટણી લડવા માટે કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.
અગાઉ તોશાખાના કેસમાં ચૂંટણીપંચે ઈમરાનને રાજકીય હોદ્દા માટે પાંચ વર્ષ માટે અયોગ્ય ઠેરવ્યા હતા. કમિશને કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ઈમરાન ખાનને કોઈપણ જાહેર પદ સંભાળવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ખાન પર વિદેશી નેતાઓ પાસેથી મળેલી ભેટોના વેચાણમાંથી મળેલી રકમ છુપાવવાનો આરોપ હતો.
ઈમરાન ખાને ચૂંટણી પંચના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.ઈમરાનના વકીલે કમિશનના નિર્ણય પર સંપૂર્ણ સ્ટે મૂકવાની વિનંતી કરી, ત્યારે જસ્ટિસ મિનલ્લાહે કહ્યું હતું કે ECPનો વિગતવાર નિર્ણય હજી ઉપલબ્ધ નથી. સંપૂર્ણ નિર્ણય ઉપલબ્ધ થયા પછી તેના પર વિચારણા કરવામાં આવશે. દરમિયાનમાં જસ્ટિસ મિનલ્લાહે કહ્યું હતું કે ઈમરાનને આ મામલે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. જ્યારે વકીલે દલીલ કરી કે જનતા આ બાબતને સમજી શકશે નહીં, ત્યારે જસ્ટિસ મિનલ્લાહે જવાબ આપ્યો કે જનતાને સમજાવવાનું કામ કોર્ટનું નથી.