યુકે સરકારે મંગળવારે કર્મચારીઓને લઘુત્તમ વેતન નહીં ચૂકવતી 500થી વધુ કંપનીઓના નામ જાહેર કર્યા હતા. 524 કંપનીઓએ તેમના કામદારોને લઘુતમ વેતન નહીં ચૂકવીને નેશનલ મિનિમમ વેજ (NMW) કાયદાનો સ્પષ્ટ ભંગ કર્યો હોવાનું જણાયું હતું, જેના કારણે 172,000થી વધુ કર્મચારીઓને આર્થિક નુકસાન થયું હતું. જે કંપનીઓના નામ આપવામાં આવ્યા છે તેમાં કેટલીક નામાંકિત મોટી બ્રાંડ્સનો પણ સમાવેશ થાય છે.
સરકારે તેના સંદેશામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, કોઈ કંપનીને તેમના કામદારોને વૈધાનિક લઘુત્તમ વેતન ચૂકવવામાંથી મુક્તિ અપાઈ નથી.આ અંગેની તપાસ હિઝ મેજેસ્ટીઝ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ (HMRC) દ્વારા 2015 અને 2023ની વચ્ચે કરવામાં આવી હતી.
દેશના એન્ટરપ્રાઇઝ, માર્કેટ્સ અને સ્મોલ બિઝનેસીઝ પ્રધાન કેવિન હોલિનરેકે જણાવ્યું હતું કે, કર્મચારીઓ જે સખત મહેનત કરે છે તે માટે તેઓ યોગ્ય પગાર મેળવવાને પાત્ર છે. સરકાર સ્પષ્ટ રીતે માને છે કે લઘુત્તમ વેતન મેળવવા માટે હકદાર કોઈપણ વ્યક્તિને તે મળવું જોઈએ. અને જે કંપનીઓ તેમના કર્મચારીઓને યોગ્ય રીતે વેતન ચૂકવતી નથી તેમની સામે સરકાર પગલાં લેશે.