યુક્રેન યુદ્ધના મુદ્દે પશ્ચિમ દેશો અને રશિયા વચ્ચે ઊભા થયેલા તીવ્ર મતભેદોને દૂર કરવા યજમાન ભારતે ઘણા પ્રયાસો કર્યા હોવા છતાં ગુરુવારે G20 દેશોના વિદેશ પ્રધાનોની બેઠકમાં કોઇ સંયુક્ત નિવેદન જારી કરાયું ન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સર્વસંમતી સાધવા તમામ દેશોને હાકલ કરી હતી. વિદેશ પ્રધાનો ગ્રૂપ ફોટો પણ પણ તૈયાર થયા ન હતા. સંયુક્ત નિવેદન સામે રશિયા અને ચીને વિરોધ કર્યો હોવાનું માનવામાં આવે છે.
ભારતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ બેઠકમાં ચેરમેનની સમરી અને નિષ્કર્ષ ડોક્યુમેન્ટ અપનાવવામાં આવ્યું હતું, જેમાં જી-20 દેશોની મહત્ત્વની પ્રાથમિકતાઓની યાદી હતી.
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે યુક્રેન સંઘર્ષના મુદ્દે મતભેદોને કારણે આ બેઠકમાં સંયુક્ત નિવેદન અંગે સહમતી થઈ શકી ન હતી. યુક્રેન મુદ્દે મતભેદો હતા, જેનું સમાધાન થઈ શક્યું ન હતું.
કેટલાક રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે યુક્રેન સંઘર્ષને લઈને યુએસની આગેવાની હેઠળના પશ્ચિમી દેશો અને રશિયા-ચીન વચ્ચે ઊંડો મતભેદ છે. વિદેશ મંત્રીએ કહ્યું કે નિષ્કર્ષ દસ્તાવેજ અને ચેરમેન સમરી વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે G20ના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. ઘણા મુદ્દા અંગે સંમતી થઈ હતી.
ચેરમેનની સમરી અને નિષ્કર્ષ દસ્તાવેદમાં યુક્રેન સંઘર્ષ અંગે બે પેરેગ્રાફ છે, પરંતુ ફૂટનોટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા અને ચીન સિવાય તમામ દેશો તેમની સાથે સંમત છે. આ બે ફકરા G20ની બાલી ઘોષણામાંથી લેવામાં આવ્યા હતા. એક ફકરામાં જણાવાયું હતું કે શાંતિ અને સ્થિરતાનું રક્ષણ કરતાં આંતરરાષ્ટ્રીય કાયદા અને બહુરાષ્ટ્રીય સિસ્ટમને જાળવી રાખવી જરૂર છે. સશસ્ત્ર સંઘર્ષોમાં નાગરિકો અને માળખાકીય સુવિધાઓના કરવું અને માનવતાના કાયદાનું પાલન કરવું. પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ અથવા ઉપયોગ કરવાની ધમકી અસ્વીકાર્ય છે. સંઘર્ષોનું શાંતિપૂર્ણ નિરાકરણ, તેમજ મુત્સદ્દીગીરી અને સંવાદ મહત્વપૂર્ણ છે. જયશંકરે કહ્યું કે G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં આતંકવાદની નિંદા કરવામાં આવી હતી. ચેરમેન સમરીમાં વૈશ્વિક ફૂડ સિક્યોરિટી સામેના પડાકારો અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી.