નવી દિલ્હીમાં 12થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાનારી જી-20 પાર્લામેન્ટ સ્પીકર્સની સમીટમાં ભારત કેનેડાની સેનેટના સ્પીકર સમક્ષ તમામ મુદ્દા ઉઠાવશે. આ સમીટમાં જી-20ના સભ્ય દેશો અને આમંત્રિત દેશોના 25 પ્રિસાઇડિંગ ઓફિસર અને 10 ડેપ્યુટી સ્પીકર્સ ભાગ લે તેવી શક્યતા છે. ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સ્પો સેન્ટર (યશોભૂમિ) ખાતે યોજનારી આ સમીટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ઓક્ટોબરે ઉદ્ઘાટન કરશે.
P20 સમીટમાં કેનેડાનું પ્રતિનિધિત્વ સેનેટના સ્પીકર રેમન્ડ ગેગ્ને કરશે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતના એજન્ટોની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યા પછી બંને દેશોના સંબંધો વણસેલા છે.
ભારત સામે આક્ષેપો કરવા કેનેડાની સંસદના થયેલા ઉપયોગ અંગેના સવાલના જવાબમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે અમે સમીટ માટે સૂચિબદ્ધ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. અન્ય મુદ્દાઓ પર અનૌપચારિક રીતે ચર્ચા કરાશે.
ત્રણ દિવસીય સમીટમાં 350થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. તેમાં 50 સંસદસભ્યો, 14 મહાસચિવો, 26 ઉપ-પ્રમુખો, ઇન્ટરનેશનલ પાર્લામેન્ટ યુનિયનના પ્રેસિડન્ટ અને પાન આફ્રિકન પાર્લામેન્ટના પ્રેસિડન્ટનો સમાવેશ થાય છે.
બિરલાએ જણાવ્યું હતું કે “9મી P20ની મુખ્ય થીમ ‘પાર્લામેન્ટ્સ ફોર વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ રાખવાની દરખાસ્ત છે. આ સમીટમાં ચાર સેશનો હતો. તેમાં સાર્વજનિક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન, મહિલાઓની આગેવાની હેઠળ વિકાસ, એસડીજીને વેગ અને સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિશનનો સમાવેશ થાય છે.